ગુજરાતી મીડિયમમાં ભણતી તુલ્શા અને પાંચમાં ધોરણમાં ભણતો શ્રીલ પોતાની ક્રિએટિવિટી બ્લોગ પર રેગ્યુલર અપડેટ કરે છે.
અત્યારની જનરેશન ટેકનોસેવી બની રહી છે, આ વાત સૌ કોઇ જાણે છે પરંતુ ‘જનરેશન નેકસ્ટ’ તેમના કરતા પણ એક સ્ટેપ આગળ છે. મોટા ભાગના લોકો ઓરકુટ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા પોતાની વાત લોકો સમક્ષ રજુ કરતા હોય છે પરંતુ સ્કૂલમાં ભણતા બાળકોને આ સાઇટ બહુ ઓલ્ડ લાગે છે. તેઓ બ્લોગ દ્વારા પોતાની ક્રિએટિવિટી તો રજુ કરે છે. આવનાર જનરેશન નેકસ્ટ પ્રોફેશનલ બ્લોગર બનવા માટે સ્કૂલ લેવલથી જ તૈયાર થઇ રહ્યાં છે.
સામાન્ય રીતે ગુજરાતી મીડિયમમાં ભણતા બાળકોને અંગ્રેજીમાં કોઇ વિષય પર લખવું ઘણું અઘરૂં પડે છે. જ્યારે સ્વિસ્તક સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં આઠમા ધોરણમાં ભણતી તુલ્શા વેદે પોતાનો એક બ્લોગ http://www.kidsfreesouls.com/tulsa.htm બનાવ્યો છે અને તે રેગ્યુલર અપડેટ કરે છે. તુલ્શા કહે છે કે, ‘હું ઇલાક્ષી પટેલ પાસે અંગ્રેજી સ્પીકિંગ શીખતી હતી. તેઓ પ્રોફેશનલ બ્લોગર છે. તેમને જોઇને મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો છે. જે અંગ્રેજીમાં જ છે અને તેમાં રજુ થતા મારા બધા આર્ટિકલ પણ હું અંગ્રેજીમાં જ લખું છું. હું મારા બ્લોગ પર મારા સ્કૂલ તથા ક્યાંક ફરવા માટે ગઇ હોઉં તો તે અનુભવો લખું છું.’
સંતકબીર સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતા શ્રીલ મોદીએ પોતાની વાત લોકો સમક્ષ રજુ કરવા માટે બ્લોગ http://www.kidsfreesouls.com/shril.htm શરૂ કર્યો છે. તે કહે છે, ‘મને બુકસ વાંચવાનો વધારે શોખ છે માટે બુકસ અને સ્ટોરીના રિવ્યૂ મારા બ્લોગ પર લખું છું. અત્યારે હું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની એવી કેટલીક વાતો ભેગી કરું છું જેના પર કોઇને જાણકારી ન હોય. આ બધો ડેટા તૈયાર કરીને હું બ્લોગ પર મૂકવાનો છું જેથી મારા જેવા દરેક સ્ટુડન્ટને વિવિધ પ્રકારની માહિતી તેમાંથી મળી રહે.’
૨૦ વર્ષમાં પહેલીવાર જોવા મળ્યું...
આ વિદ્યાર્થીઓને બ્લોગ અંગેની માહિતી આપતા પ્રોફેશનલ બ્લોગર ઇલાક્ષી પટેલ કહે છે કે, ‘મારી વીસ વર્ષની લાઇફમાં મેં પહેલી વાર જોયું છે કે કોઇ ગુજરાતી મીડિયમમાં ભણતી આટલી નાની છોકરીએ અંગ્રેજીમાં પોતાનો બ્લોગ તૈયાર કર્યો હોય. હું પ્રોફેશનલ બ્લોગર છું. ઇન્ડિયામાં બહુ ઓછા આટલી નાની ઉંમરના બાળકો પોતાના બ્લોગ તૈયાર કરતા હોય છે જ્યારે અમેરિકામાં પણ ભાગ્યે જ કોઇ બાળક પોતાનો બ્લોગ ધરાવતું હોય છે.’