- વિવિધ વેરાઇટીઓ અવનવી એસેસરીઝ અને ફેશનના ફંડા સાથે પતંગ દોરા સિવાય બીજી ચીજવસ્તુઓનું પણ બજાર ખીલી ઊઠ્યું
- હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરીજનો શહેરના પતંગબજાર ગણાતા ગેંડીગેટ રોડ પર ભીડ જમાવી રહ્યા છે
ઉત્તરાયણના તહેવારને આડે ત્રણ દિવસ માંડ રહ્યા છે ત્યારે શહેરના પતંગબજારમાં શહેરીજનોનો ધસારો વધી રહ્યો છે. આજે પતંગબજારમાં બપોર બાદ ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. પતંગબજારમાં આ વર્ષે પતંગ ઉપરાંત હોર્ન, ટોપી-હેટ અને ગુબ્બારાની અવનવી વેરાઈટઝિ માર્કેટમાં આવી છે.
પતંગબજારમાં આ વર્ષે પતંગોના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ દોરાના ભાવમાં પણ ૧૦થી ૧૫ ટકાનો વધારો છે. તેથી આ વખતની ઉત્તરાયણ શહેરીજનોને ૩૦ ટકા જેટલી મોંઘી પડશે. આ વર્ષે ઉત્તરાયણની વિવિધ એસેસરીઝમાં પણ અવનવી વેરાઇટીઝ બજારમાં આવી ગઈ છે. જેમાં શ્રીલંકન બોલર મલિંગાની હેરસ્ટાઈલ જેવી રંગીન કેપ અને ફેન ધરાવતી ચાઈનીઝ કેપ ટાબરિયાઓની ફેવરિટ બની રહી છે.
આ કેપની કિંમત પણ ૨૦ ટકા જેટલી ઘટી હોવાથી તેનું વેચાણ વધવાની શક્યતાએ વેપારીઓએ મોટો સ્ટોક રાખ્યો છે. ઉત્તરાયણમાં આ વર્ષે માર્કેટમાં પિપૂડાની અવનવી વેરાઈટીઝ આવી છે. જેમાં સાદા પિપૂડાથી માંડીને હાથ વડે જ ઓપરેટ કરી શકાય તેવા ખાસ પ્રકારનાં હોર્ન ઉત્તરાયણમાં ધમાલના શોખીનો માટે બજારમાં આવ્યાં છે. તેથી માત્ર પિચકારી વડે જે રીતે પાણી છોડીએ છીએ તે રીતે પંપના હેન્ડલને જ દાબતાં અવાજ નીકળશે.
આ ઉપરાંત ગુબ્બારાઓમાં પરંપરાગત ગુબ્બારા ઉપરાંત હાર્ટશેપના અને લાંબા ચાઈનીઝ ગુબ્બારાઓ પણ માર્કેટમાં ઉપલબ્ધ બન્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુબ્બારાનો ભાવ ૧૦થી ૧૫ ટકા ઓછો હોવાથી શહેરીજનોમાં તેની ધૂમ ખરીદી છે. પતંગબજારના વેપારીઓના જણાવ્યા મુજબ પતંગબજારમાં આ વર્ષે ગુબ્બારાનું માર્કેટ ૪૦થી ૫૦ ટકા વધ્યું છે. તેથી ઉત્તરાયણની સમી સાંજે આકાશ ગુબ્બારામય બને તો નવાઈ નહીં. ચાઈનીઝ પતંગોની અવનવી વેરાઈટીઝ ઉપરાંત પતંગો પર દબંગ, સિંઘમ, કેટરિના, નરેન્દ્ર મોદી, અણ્ણા હજારેની તસવીરો પણ જોવા મળશે.
ઉત્તરાયણ પણ મોંઘી બની
- પતંગોત્સવ આ વખતે ૨૦થી ૩૦ ટકા જેટલો મોંઘો પડશે. કારણ કે દોરા, કાગળ, કમાન અને મજુરીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હજી એકાદ દિવસ બાદ લોકોનો ધસારો જબરદસ્ત વધશે. આ વર્ષે વેપારીઓનો નફો ઓછો રહેશે એવું લથ્ગે છે.
મનહરભાઈ છત્રીવાલા, સેક્રેટરી, પતંગબજાર.
વડોદરામાં પવનોની સંગત સાથે ઠંડીનો કાતિલ પ્રહાર જારી
વડોદરામાં તાપમાનનો પારો ડિસેમ્બરની ૧૧મી તારીખે અચાનક ૧૩.૮ ડિગ્રી સે. સુધી ગગડ્યા બાદ છેલ્લા ૩૦ દિવસથી વડોદરાવાસીઓ શિયાળુ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કાશ્મીરમાં થયેલી બરફવર્ષા બાદ ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડાગાર પવનોને લીધે વડોદરા શહેર પણ વહેલી સવારે અને મોડી સાંજ બાદ દાઢ કકડાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે. મંગળવારે પણ સૂર્યોદય થયા બાદ દસ વાગ્યા સુધી પણ હાડ ધ્રુજાવતી ઠંડી વડોદરામાં અનુભવાઈ હતી. સવારે પવનની ગતિ ૬ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.