'બાપુ’ને બાપાજૂથનું 'આમંત્રણ’

ભાજપના જૂના હજૂરિયા-ખજૂરિયાને ભેગા કરવા પ્રવીણકાકાના પ્રયાસો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છેડો ફાડીને નવો પક્ષ રચવાની જાહેરાત કરનારા પીઢ આગેવાન કેશુભાઈ પટેલના સમર્થક અને સંઘના વરિષ્ઠ આગેવાન પ્રવીણ મણિયારે ભાજપી ગોત્રના કોંગી નેતા શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ સાથે હાથ મિલાવવા ખુલ્લું આમંત્રણ પાઠવ્યું છે. જેના પગલે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે.
ગુજરાતમાં મુખ્યપ્રધાન મોદીને સત્તાસ્થાનેથી દૂર કરવા માટે કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા સહિતના આગેવાનોએ આદરેલી ઝુંબેશ ધીમે ધીમે વેગ પકડી રહી છે અને કેશુભાઈ જૂથના દાવા મુજબ તેમના નવા પક્ષની જાહેરાત પછી ભાજપમાં ભાગલા પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે સંઘના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા પણ કેશુભાઈ સાથે હાથ મિલાવવા તૈયાર હોવાનું નિવેદન કરતાં રાજકીય વર્તુળોમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે.
અગાઉ વાઘેલાએ પોતે જ એવો સંકેત આપી ચૂક્યા છે કે, તેમને કોંગ્રેસમાં ફાવતું નથી. જેને અનુલક્ષીને સંઘના નેતાએ વાઘેલાને હાથ મિલાવવા આમંત્રણ આપ્યું હોવાનું મનાય છે. અલબત્ત, કોઈ પણ નેતા વાઘેલાને સીધી રીતે આમંત્રણ આપે તેની પાછળ કંઈક વજૂદ હોવું જોઈએ. નહીંતર આવી રીતે જાહેરમાં કોઈ નિવેદન કરે નહીં.
વાઘેલા જૂથના એક નેતાએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, થોડા મહિના પૂર્વે વાઘેલાએ દિલ્હી જઈને કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપીમાં જોડાઈ જવાના સંકેતો આપ્યા હતા. ત્યારે વાઘેલાએ મોદી વિરોધી નેતાઓ સમક્ષ ગુજરાતમાં 'ત્રીજા મોરચા’ની રચના માટે દરખાસ્ત મૂકીને કેશુભાઈ સહિતના આગેવાનોને ભાજપ છોડવા અને તેમણે પોતે કોંગ્રેસને રામરામ કરવા તૈયારી દર્શાવી હતી. પરંતુ ત્યારે કેશુભાઈ જૂથ દ્વારા યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.
'મારે કાંઈ કહેવાનું નથી’
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને આ અંગે કહ્યું કે, વાઘેલા સ્પષ્ટતા કરી ચૂક્યા છે ત્યારે મારે આ અંગે કંઈ કહેવાનું રહેતું નથી.
શંકરસિંહ કેશુભાઈના પક્ષમાં જોડાવા તૈયાર : મણિયાર
શંકરસિંહ વાઘેલા સાથે મારે ચર્ચા થઈ છે અને કેશુભાઈ તથા તેમનો પક્ષ સ્વીકારવા માટે તૈયાર હોય તો તે પક્ષમાં જોડાવા માટે બાપુએ ઇચ્છા વ્યક્ત કરી છે. વિહિપના પ્રવીણ તોગડિયાએ પણ વાઘેલાને નવા પક્ષમાં લેવા કેશુભાઈને ચર્ચા કરી સમજાવ્યા હતા. માત્ર કોંગ્રેસના જ નહીં ભાજપના ઘણા નેતા પક્ષમાં જોડાવા તૈયાર છે. - પ્રવીણ મણીયાર (રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં)
કોંગ્રેસ છોડવાનો નથી : બાપુ
હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પાર્ટીને છોડવાનો નથી. - શંકરસિંહ વાઘેલા, ચેરમેન, કેમ્પેઈન કમિટી, કોંગ્રેસ
રાજ્યમાં સોમવારથી થર્ડ ફ્રન્ટ શરૂ કેશુબાપા કરશે પક્ષની ઘોષણા
નવા આકર્ષણ માટે નવા પક્ષની રચનાનો નિર્ણય







