- ગુજરાતમાં ખરેખર દારૂબંધી રહી છે કે દારૂબંધી હોવાનો ભ્રમ ચાલી રહ્યો છે? વર્ષે ૩૦ લાખ બોટલ જેટલો વિદેશી દારૂ ગુજરાતમાં જ ગટગટાવી જવાય છે, છતાં ખુદ પીનારાઓ પણ દંભમાંથી બહાર આવતા નથી.
બીજી તરફ એકંદરે કંટ્રોલમાં રહેતો ક્રાઇમ રેટ અને સ્ત્રીઓની સલામતી દારૂબંધી વિના શક્ય નથી તે પાસાની પણ અવગણના શક્ય નથી. ગુજરાત હવે ગાંધીનું રહ્યું છે કે ‘માલ્યા’નું બની રહ્યું છે તે ચર્ચા અનિવાર્ય થઈ પડી છે. ‘દિવ્ય ભાસ્કર’ બંને તરફના અભિગમને મુક્ત મને અભિવ્યક્ત કરવાની મોકળાશ આપે છે, જેથી આ મુદ્દે વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ શકે.
થ્રી સ્ટાર હોટેલમાં વિદેશી દારૂ પર છૂટની દરખાસ્ત હોટેલ એસોસિયેશને રાજ્ય સરકારને કરી છે ત્યારે દારૂ અને દારૂબંધીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કાયદાકીય રીતે દારૂબંધીવાળા રાજ્ય ગુજરાતમાં વર્ષે દહાડે ૩૦ લાખ બોટલ વિદેશીદારૂ પીવાય જાય છે. દેશીદારૂ વેચનારા અને પીનારાઓના તો આંકડા અનેકગણા વધુ છે.
પૈસે ટકે સુખી કેટલાક પરિવારોમાં તો સ્થિતિ એવી છે કે દારૂ પીવાને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. હાલમાં જ શહેર પોલીસે દારૂની મહેફિલ માણતાં નબીરાઓને પકડ્યા હતા. તેમને છોડાવવા માતા- પિતા પોલીસ સ્ટેશન તો દોડી આવ્યાં હતાં પરંતુ છોકરો દારૂ પીતા પકડાયો છે તે વાતનો છોછ ચહેરા પર દેખાતો ન હતો. કેટલાક તો એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતા કે અમારો પુત્ર પ્રસંગ પ્રમાણે દારૂ પીવે તો અમને કોઈ વાંધો નથી.
સૂત્રોમાંથી પ્રાપ્ત હકીકત પ્રમાણે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે જેટલો દારૂ ઠાલવવામાં આવે છે તેના માત્ર ૨૦ ટકા દારૂ પકડાય છે. બાકીનો જથ્થો રાજ્યના શરાબ શોખીનો સુધી સરળતાથી પહોંચી જાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરેરાશ દર વર્ષે રાજ્યમાં દારૂની હેરાફેરી તથા ગેરકાયદે વેચાણના લગભગ ૧૫૦૦ જેટલા કેસો નોંધાય છે. જેમાં ૬ લાખ જેટલી બોટલો પકડાય છે. દારૂ અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલાં વાહનોની કિંમત મળી કુલ R ૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે.
આવક માટે શું ચરસ-ગાંજાને પરમિશન અપાય?
ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાની સરકારની પ્રસ્થાવિત નીતિ સાવ ખોટી છે. એરપોટેં, સેઝમાં દારૂબંધી હળવી કર્યા બાદ થ્રી સ્ટાર હોટેલમાં દારૂની પરમિશન સામાન્ય લોકો અને મહિલા વિરોધી છે. સરકાર કહી રહી છે કે દારૂબંધી હળવી કરવાથી આવક વધશે તે ખરેખર ખોટી વાત છે. ચરસ અને ગાંજાના ધંધામાં પણ આવક છે. તો શું આવક માટે આ બધા ધંધા આપણે શરૂ કરી દેવા? સરકાર સામાન્ય લોકોની વિરુદ્ધમાં નિર્ણય લઈ રહી છે.
ડૉ. રાજેન્દ્રર ખીમાણી, રજિસ્ટ્રાર, ગૂજરાત વિદ્યાપીઠ