‘‘તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કારેલી..., માંડી તારું કંકુ ખયું..., રાખના રમકડાં...’’ જેવાં યાદગાર ગીતો સાંભળતા જ અવિનાશ વ્યાસની યાદ આવી જાય. ગુજરાતી સંગીતમાં આવા કેટલાંક ગીતો છે જે આજે પણ લોકોના હૈયે જડાયેલાં છે. અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલાં આ ગીતોને ફરી એક વાર મંચ પર ‘અવસર’ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ‘અવિનાશી અવસર’ પર ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અંગે અવસર પરિવારના ભૂષણ મહેતા અને કાંક્ષિત મુન્શી કહે છે કે, ‘અમે દર ત્રણ મહિને સંગીતના પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સુગમ સંગીતને બચાવવાનો છે. જેના માટે અમારું આ નોન પ્રોફેશનલ ગ્રૂપ ઘણા પ્રયત્નો કરે છે.
અમારા ગ્રૂપમાં કીર્તન ઘારેખાન, પાર્થ ઠાકર, અભિષેક પટવારી જેવા પ્રોફેશનલ મ્યુઝિક આપનાર લોકો પણ જોડાયેલા છે. અવસર દ્વારા દરેક નવા ઊભરતા કલાકારોને એક પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે.’ પ્રોગ્રામમાં અવિનાશ વ્યાસના યાદગાર ગીતોને સુંદર રીતે કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.