‘આગળ વધીએ વધતાં રહીએ’ના સંદેશાને માત્ર અખબારમાં જ સીમિત ન રાખતાં ભાસ્કર ગ્રૂપે નોલેજ સિરીઝ વકતવ્યની શરૂઆત કરીને વાંચકોની જિંદગીમાં મૂલ્યોનો ઉમેરો કરવાની પહેલ કરી છે. તેના ભાગરૂપે રવિવારે વસ્ત્રાપુરના ખીચોખીચ ભરાયેલા એમ્ફી થિયેટરમાં આઇઆઇપીએમના યુવા પ્રોફેસર અરિંદમ ચૌધરીએ ‘ઇન્ક્રીઝિંગ ઇફેક્ટિવ મેનેજમેન્ટ’ના વિષય પર વકતવ્ય આપ્યું હતું.
પ્રો.અરિંદમ ચૌધરીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘અહીં જે નેતૃત્વ છે તે કાબિલ-એ-તારીફ છે, કારણકે ટૂંકા ગાળામાં શું મેળવી શકાય છે તે રાજ્યના વિકાસ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. દેશનાં તમામ રાજ્યોમાં ગુજરાત સૌથી મોખરે છે અને અનેક સમસ્યાઓ છતાં પણ તે હંમેશાં પ્રગતિ કરતું રહ્યું છે.’ ગેઇલ, જીએસપીસી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના સહયોગથી આ નોલેજ શ્રેણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રો. અરિંદમે મહાભારતનાં વિવિધ ર્દષ્ટાંતો ટાંકીને કઈ રીતે શ્રીકૃષ્ણ ઉત્કૃષ્ટ મેનજમેન્ટ કરી શકતા હતા તે બતાવ્યું. કઈ રીતે ભીમને તેઓ હંમેશાં સીધું કામ ચિંધતા અને અર્જુનને અંગૂલિનિર્દેશ કરતા.
શ્રીકૃષ્ણ એવા નેતા હતા જે વ્યક્તિ જોઈને નેતૃત્વની નીતિ બદલતા
વળી નરો વા કુંજરો વાના મામલે કેવી રીતે ‘પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ’ કરી યુધિષ્ઠિરને અસત્ય બોલવા મનાવી લીધા. તેમના મતે શ્રીકૃષ્ણ એવા નેતા હતા જે વ્યક્તિ જોઈને નેતૃત્વની નીતિ બદલતા હતા. સાચું નેતૃત્વ એ જ છે જેમાં તમે સામી વ્યક્તિના પેંગડામાં પગ નાખી તેની સાથે કામ પાર પાડો. કોઈ પણ સંસ્થાનમાં અલગ પ્રકારના લોકો હોય અને દરેકની સાથે કામ કરવા માટે એક જ સરખો માપદંડ ક્યારેય કામ નથી લાગતો.
તેમણે કહ્યું કે, ‘નેતૃત્વ શીખવા માટે તમારાં માતા-પિતાનું અવલોકન કરો. નાનું બાળક ભૂલ કરે તો તેને દબડાવાય છે, જે ‘દંડ’ની નીતિ છે. એ જ બાળક કિશોર બને ત્યારે તેની પાસે કહ્યું કરાવવા વાલીઓ નાઇકી શૂઝથી લઈને આઇપોડની લાલચ આપે છે, જે ‘દામ’ની નીતિ છે. કોલેજમાંથી એક્સાથે ૩ જોબ ઓફર આવે ત્યારે પિતાના મોઢે નિર્ણય સાંભળવા માગતા દીકરાને મિત્ર જેવો સમાંતર ભાવ મળે છે અને તેને નિર્ણય લેવાની છુટ અપાય છે, જ્યાં ‘સામ’ મેનેજમેન્ટ શૈલી છે.
લોકોની નાડ પારખી તેમને સંભાળવા એ જ સાચું નેતૃત્વ
વીસ વર્ષ પછી પ્રમોશનને મામલે થતી બદલી સ્વીકારવાનું આવે ત્યારે અસરકારક મેનેજર જેવા પિતા કહે છે, ‘મારી જવાબદારી હવે પૌત્ર રમાડવાની છે બાકી કામ તારું છે’, અહીં જવાબદારીના ‘ભેદ’ પાડી પિતા મેનેજમેન્ટ કરે છે. આ તમામ નીતિ તમે ગીતા વાંચીને શીખી શકો છો, જે આપણી સંસ્કૃતિ માટે ગર્વિષ્ઠ બાબત છે.’
લોકોની નાડ પારખી તેમને સંભાળવા એ જ સાચું નેતૃત્વ છે તે અંગેના પ્રાચીન સંદર્ભ સાથે ર્દષ્ટાંત આપતાં તેમણે કહ્યું કે, ‘રજસ એટલે કામ કરવા માગતા, તમસ એટલે આળસુ અને સાત્વિક એટલે શોધ કરનારા લોકોના ભેદમાં દુનિયા વહેંચાયેલી છે. કૃષ્ણએ રજસ પ્રકૃતિના લોકોને ‘કામ કર ફળની ઇચ્છા ન રાખ’નો બોધ આપ્યો તો તમસ લોકોને ભક્તિમાર્ગે પોતાના સુધી પહોંચવા કહ્યું.
અસરકારક મેનેજમેન્ટ માટે સતત પરિવર્તન જરૂરી
સાત્વિક લોકોને ઇશ્વરે કહ્યું, તેઓ સત્યની શોધ કરવા જશે તો તેને પામશે.’ તેમના મતે જ્ઞાનમાર્ગી લોકો ટોચ પર, કર્મળ્યોગીઓ મધ્યમાં અને ભક્તિમાર્ગીય સૌથી તળિયે હોવા જોઈએ પણ આપણા તંત્રમાં ભક્તિયોગીઓ ટોચ પર અને જ્ઞાનમાર્ગીઓ તિળયે હોય છે અને કર્મળ્યોગીઓ મધ્યમાં પીસાયા કરે છે. આ તંત્ર યોગ્ય ગોઠવાય તો સફળતા દૂર નથી.
કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કોર્પોરેટ એડ્વાઇઝર સુનિલ પારેખે ગુજરાત અને વ્યાપારના ઈતિહાસનાં ઉદાહરણો ટાંકી રાજ્યની મેનેજમેન્ટની અસરકારક સફળતાઓનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘અસરકારક મેનેજમેન્ટ માટે સતત પરિવર્તન જરૂરી છે, નહિતર માર્કેટમાં ટકવું મુશ્કેલ થશે. ગુજરાતમાં આંત્રપ્રિન્યોરિશપ હંમેશાં રહી છે પણ તેને માટે સાથે વ્યૂહાત્મક મેનેજમેન્ટ પણ જરૂરી છે.
આ રાજ્યના ઈતિહાસમાં જ શરાફની પેઢીઓ હતી, જે બ્રિટિશ રાજ દરમિયાન વિશ્વના કોઈ પણ ખૂણે નાણાં પહોંચાડતા. હૂંડીપ્રથાથી માંડીને રણછોડલાલ છોટાલાલની મિલનો વિકાસ આ રાજ્યના ઈતિહાસનો જ હિસ્સો છે.’ ભાસ્કર નોલેજ સિરીઝના ફ્લેગશિપ વકતવ્યમાં ‘દિવ્ય ભાસ્કર’ના સીઓઓ - મેનેજિંગ એડિટર જગદીશ શર્મા, સ્ટેટ એડિટર અજય ઉમટ, સ્ટેટ બિઝનેસ હેડ ધર્મેન્દ્ર મિશ્રાએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.