રાઘવનના નેતૃત્વ હેઠળની એસઆઈટીએ ઈશરત કેસની તપાસ હાથ ધરવાની અનિચ્છા દર્શાવી છે. બીજી બાજુ, હાઈકોર્ટે સીબીઆઈને આ કેસથી દૂર રહેવા જણાવ્યું છે. ત્યારે શું વધુ એક એસઆઈટીની રચના થશે?
આ રહ્યા કારણો...
૨૦૦૨ના રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશોથી ગઠિત કરવામાં આવેલી સીબીઆઈના પૂર્વ નિયામક આર.કે. રાઘવનના વડપણ હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારના રોજ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ હાથમાં લેવાની અનિચ્છા દર્શાવી છે.
આ સ્થિતિમાં હવે શું ગુજરાત હાઈકોર્ટને નવી ટીમની રચના કરવાની ફરજ પડશે? અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૦ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ આ કેસની તપાસમાં ગુજરાત હાઈકોર્ટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ પ્રમોદકુમારના વડપણ હેઠળ ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી અને આ ટીમને ૩૦ નવેમ્બર, ૨૦૦૯ સુધીમાં તપાસ અહેવાલ રજુ કરવા તાકીદ કરી હતી. રાઘવનના વડપણ હેઠળની એસઆઈટીએ ઈશરત કેસમાં તપાસની અનિચ્છા દર્શાવ્યા બાદ કાયદાવિદોના મતે ગુજરાત હાઈકોર્ટે હવે આ કેસની પુન: સમીક્ષા કરવાની ફરજ પડશે.
એસઆઈટીથી એસઆઈટી સુધીની સફર
૧૫ જુન, ૨૦૦૪ના રોજ તત્કાલીન ડીસીપી ક્રાઈમ- ડી.જી. વણઝારાના વડપણ હેઠળની ટીમે મુંબઈની ૧૯ વર્ષની કથિત ત્રાસવાદી ઈશરત જહાં, જાવેદ ગુલામ શેખ ઉર્ફે પ્રણેશકુમાર પિલ્લાઈ, અમજદઅલી ઉર્ફે રાજકુમાર અકબરઅલી રાણા અને જીશાન જૌહર અબ્દુલગનીને ઠાર માર્યા હતા. આ કેસની પ્રારંભિક તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી પરીક્ષિતા ગુર્જરે હાથ ધરી હતી અને આ ચારેય મૃતકો ઉપરાંત કાશ્મીર સ્થિત ચાર વોન્ટેડ ત્રાસવાદીઓ વિરુદ્ધ પોટાની કલમ લગાવી, સ્પેશિયલ પોટા કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઈલ કર્યો હતો.
જોકે, પોટા કોર્ટે આ સમરી અહેવાલને ફગાવી દઈને આ કેસમાં વધુ તપાસ કરવા પોલીસને જણાવ્યુ હતું. દરમિયાન, ઈશરતની માતા શમીમા કૌસરે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. જેને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ કેસની સુનાવણી છ માસમાં હાથ ધરવા જણાવ્યું. આ દરમિયાન કોર્ટે ત્રણ સભ્યોની બનેલી એસઆઈટીની રચના થઈ.
પરંતુ, એસઆઈટી તેનો અહેવાલ સુપરત કરે તે પૂર્વે જ ૭ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.પી. તમાંગે ઈશરત જહાં એન્કાઉન્ટર નકલી હોવાનો એક અહેવાલ રજુ કર્યો. આ અહેવાલના પગલે ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીને વિખેરી, આ તપાસ રાઘવનના વડપણ હેઠળની એસઆઈટીને સોંપવાનો હુકમ કર્યો.
ક્રાઈમ બ્રાન્ચના અહેવાલો અને પોટાનું શું?
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની પ્રારંભિક તપાસ કરી મૃતકો અને ચાર વોન્ટેડ અપરાધી સામે ‘પોટા’ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ચારેય વોન્ટેડ આરોપીઓ કાશ્મીરના હોવાથી ક્રાઈમ બ્રાન્ચે કાશ્મીરની મુલાકાત લઈ કેસના મામલે શું પ્રગતિ સધાઈ તે સંદર્ભે કોર્ટને સમયાંતરે પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપેલા.
માની લો કે આ એન્કાઉન્ટર નકલી સાબિત થાય તો કાયદાકીય દ્રષ્ટિકોણથી ઈશરત સહિત ચારને ઢાળી દેનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ ‘પોટા’ હેઠળ કાર્યવાહી થાય. વળી, જો નવી તપાસ એજન્સી કામ શરૂ કરે તો તેમણે આ કેસની તપાસ માટે ૧૭૩-૮ હેઠળ મંજુરી માગવી પડે.
કદાચ આ એન્કાઉન્ટર સાચું ઠરે તો ચાર પૈકીના બે વોન્ટેડ અપરાધીઓ, જેમાં કાશ્મીરના રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થાય કે કેમ? તે અંગે પ્રશ્ન ઉદભવે.