કલોલ, ગાંધીનગર, અમદાવાદ, બાવળા, સાણંદ વચ્ચે પરા ટ્રેનની માંગણી કરાઈ છે
ગાંધીનગર અને અમદાવાદ તથા આ બન્ને શહેરોની આસપાસના વિસ્તારોનો વિકાસ રોકેટગતિએ થઇ રહ્યો છે ત્યારે આવતા વર્ષોમાં અહીં ટ્રાન્સપોર્ટેશનની મોટી સમસ્યા સર્જાવાની સ્થિતિને નિવારવાના આગોતરા આયોજનરૂપે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ ગાંધીનગર-અમદાવાદ-ગાંધીનગર શટલ ટ્રેન શરૂ કરવા વધુ એક વખત માંગણી કરવામાં આવી છે. ઉપરાંત મુંબઇની જેમ અહીં કલોલ, ગાંધીનગર, અમદાવાદ, બાવળા, સાણંદ અને આણંદ વચ્ચે પરા ટ્રેન દોડાવવાની માંગણી દોહરાવાઇ છે.
ભૂતકાળમાં આ સુવિધા માટે ગુજરાતના સાંસદો દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીએ તેઓ સાથે વિશેષ બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં ઉપરોકત બન્ને ટ્રેન સેવા ઉપરાંત મેમુ અને ડેમુ ટ્રેનની ઉપલબ્ધી અને ફિક્વન્સી વધારવાની સાથોસાથ ગાંધીનગર-અમદાવાદ-વડોદરા શટલ ટ્રેન અને કલોલ-ગાંધીનગર-અમદાવાદ વચ્ચે અલગથી પરા ટ્રેન શરૂ કરવી જરૂરી હોવાની બાબત ચર્ચાઇ હતી.
નોંધવું રહેશે કે, દેશના દરેક રાજ્યના પાટનગરો સીધા જ દેશના પાટનગર દિલ્હી સાથે પહેલેથી જ જોડાયેલા છે. પરંતુ એક માત્ર ગુજરાતનું પાટનગર ગાંધીનગર સ્થાપનાના ચાર દાયકા પછી દિલ્હી સાથે ટ્રેન રસ્તે જોડાયું હતું. હજુ પણ લાંબા અંતરની ટ્રેનો સંદર્ભે ગાંધીનગરને અન્યાય ચાલુ રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સંસદનું બજેટ સત્ર મળવાનું છે.
તેમાં ૧૪મી માર્ચે રેલ-વે બજેટ રજૂ થવાનું છે ત્યારે આ અન્યાય દૂર કરવા માટે ગુજરાતના સાંસદો પ્રબળ અને મુદ્દાસરની માંગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ દોહરાવે તેમાં અમદાવાદથી દિલ્હી અને દેશના અન્ય મહાનગરો તરફ દોડતી દરેક ટ્રેનો ગાંધીનગર સુધી લંબાવવાની અથવા આવી ટ્રેનો ગાંધીનગરથી જ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.