સંસ્કારી નગરીમાં ગણેશોત્સવની ઉજવણી યોગ્ય ઢબે અને શ્રધ્ધાળુઓની લાગણી દુભાતી રોકવા માટે કરવાની માગ સાથે ચાર દરવાજા વિસ્તારનાં જાગૃત નાગરિકોએ પત્રિકા વિતરણ કર્યું છે.
વાંચે ગુજરાત-અનુસરે શ્રધ્ધાળુના શીર્ષક હેઠળ ચાર દરવાજા વિસ્તારના હરિવદન શાહ, રવીન્દ્ર દેસાઇ, રસિક શાહ, નિખિલ મોદી, કીર્તિ પરીખ સહિતના જાગૃત નાગરિકોએ ગણેશ-ઉત્સવને ધ્યાનમાં રાખી પત્રિકા જારી કરી છે. જેમાં જણાવાયું છે કે, લોકમાન્ય તિલકે અંગ્રેજોની સામે લડત આપવા સંગિઠત થવા ગણેશોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પરંપરા આજેય જળવાઇ રહી છે પણ નવી પેઢીને માર્ગદર્શન ન મળવાના કારણે ઉત્સવમાં કેટલીક ક્ષતિઓ વધી છે.
ગણેશજીના મંડપની અંદર પણ મૂર્તિને મનફાવે તેવા પહેરવેશ પહેરાવવા કે અયોગ્ય ડેકોરેશન કરવું એ શ્રધ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડનારું છે તેવા ઉલ્લેખ સાથે પત્રિકામાં જણાવાયું છે કે, પ્રત્યેક પૈસા ઉઘરાવનાર પાસે પૈસા આપનારને લેખિત હિસાબો માગવાનો અધિકાર છે, કારણ કે કારમી મોંઘવારીમાં મધ્યમવર્ગની મહેતનનો પૈસો ઉત્સવના નામે વેડફાય નહીં તે પણ જોવું જરૂરી છે.
માતા-પિતાએ પણ પોતાનાં સંતાનો જે ગણેશોત્સવમંડળ સાથે જોડાયેલા હોય ત્યાં એ સંતાનો ગણેશોત્સવના મંડપો ટ્રાફિક, એમ્બ્યુલન્સ કે વાહનવ્યવહારમાં અડચણરૂપ ન બને તેવા બાંધવા તેમજ મૂર્તિનું કદ પ્રમાણસર રાખવા કડક રીતે સલાહ આપે તે જરૂરી છે.આરતીના સમયના કલાક પહેલાં અને કલાક પછી મધુરસંગીત, ભક્તિગીતો વાગે તે યોગ્ય છે.