ગાંધીનગર શહેરમાં વિવિધ તહેવારો દરમિયાન યોજાતા ધાર્મિક મેળાઓ ઉપર મહાનગરપાલિકા દ્વારા વેરા લાગુ કરવાનું વિશેષ આયોજન થઇ રહ્યું છે. આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે સેક્ટર-૨૨ પંચદેવ મંદિરે યોજાનારા પરંપરાગત મેળામાં ધંધો કરવા આવતા તમામ વેપારીઓ પાસેથી ફરજિયાતપણે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.
ગાંધીનગરમાં નોટિફાઇડ એરિયાના વિસર્જન અને મહાનગરપાલિકાની રચનાની સાથે જ કરવેરાનો મામલો પણ હાથ ઉપર લેવામાં આવ્યો છે. હાલ એક પણ રૂપિયાની આવક નહીં ધરાવતું મહાનગરપાલિકા તંત્ર સ્વનિર્ભર થવા માટે મથી રહ્યું છે. હાલ તો સરકારે આપેલી ત્રણ કરોડ રૂપિયાની લોનમાંથી પગાર તેમજ અન્ય ખર્ચા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાયી આવક માટે કરવેરા એ મહાપાલિકાનો મુખ્ય આધાર ગણાય છે.
મહાપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા કરવેરાની ફોમ્યુંલા તૈયાર કરવામાં આવી રહી છે. જે આખરી થતાં હજુ સમય લાગે તેમ છે. ત્યારે હવે મહાપાલિકા સેવાની સામે પણ ચાર્જ વસૂલી આવક ઊભી કરવાની ગોઠવણમાં છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં યોજાતા ધાર્મિક મેળાઓ ઉપર પણ વેરા લાદવાનું આયોજન ઘડાયું છે.
આમ તો ગાંધીનગર શહેરમાં બહુ મોટા પ્રમાણમાં મેળા યોજાતા નથી, પરંતુ જન્માષ્ટમી અને શિવરાત્રીના તહેવારોમાં સે-૨૨માં આવેલા પંચદેવ મંદિર ખાતે મેળા યોજાય છે. આ મેળાઓ બાદ સફાઈ માટે સારી એવી મહેનત કરવી પડતી હોવાથી હવે વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનો નિર્ણય કરાયો છે. જન્માષ્ટમીએ પંચદેવ મંદિરે યોજાનારા મેળામાં વેપાર કરવા આવતા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ પાસેથી ફરજિયાત વહીવટી ચાર્જ વસૂલાશે. જો કે આ રકમ રૂ.૧૦૦થી ર૦૦ સુધીની રાખવામાં આવી છે.