કલોલના સાંતેજ ગામમાં આવેલ કંપનીમાં વોચમેનનું ખૂન કરનાર આરોપીને પોલીસે ઝડપી લઇ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસની કલોલ કોર્ટમાં મૂદત હોઇ આરોપીને પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પોલીસને ચકમો આપી કોર્ટમાંથી દોટ મૂકતાં પોલીસ પણ પાછળ દોડી હતી. જેને લઇ રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અંતે પોલીસે આરોપીને ઝડપી લેતાં હાશકારો
થયો હતો.
સમગ્ર શહેરમાં ચકચાર જગાવનાર આ બનાવની મળતી માહિતીઅનુસાર કલોલ તાલુકાના સાંતેજ ગામે આવેલ એક કંપનીમાં નોકરી કરતા મનોજ બદરીપ્રસાદ નામના શખ્સે પોતાની સાથે નોકરી કરતા સવાયાસીંગ ભાટીને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતરી દીધો હતો. તે કેસમાં પોલીસે મનોજની ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.
આજ રોજ આ કેસની મુદ્દત હોઇ આરોપીને પોલીસ જાપ્તા હેઠળ કલોલની કોર્ટમાં લવાયો હતો. ત્યારે મોકો જોઇ આરોપી મનોજ કોર્ટમાંથી ભાગી સ્ટેશન રોડ તરફ દોડ્યો હતો અને પોલીસ પણ તેને ઝડપી લેવા પાછળ દોડી હતી. આ ઘટનાથી સ્ટેશન રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયાં હતા. અંતે આરોપી કોઇ સાધન પર ફરાર થઇ જાય તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી ઝડપાતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.