નાણાં માટે યુવતીને પ્રેમજાળમાં ફસાવી જિદંગી નર્ક બનાવી હોવાનો ગંભીર આક્ષેપ
આંબાવાડીમાં રહેતી એર હોસ્ટેસે તેના ભાવિ પતિ વિરુદ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ સરખેજ પોલીસે આરોપી યુવક તથા તેની માતાની ધરપકડ કરી છે. આ કેસમાં હવે યુવકે યુવતીના ચારિત્ર્ય પર આક્ષેપો કર્યા છે, તો યુવતીએ પણ આરોપી પાર્થે તેના રૂપિયા જોઇ તેને ફસાવી તેની જિંદગી નર્ક બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
આંબાવાડીમાં રહેતી અને એક ખાનગી એરલાઇન્સમાં ફરજ બજાવી ચૂકેલી નિલમે (નામ બદલ્યું છે) તેના પર બોપલનાં અવંતી બંગલોઝમાં રહેતા પાર્થે સગાઇ બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની તથા તેમની અંગત પળોને મોબાઇલમાં ઉતારી લઇ તેને બ્લેક મેઇલ કરી હોવાના ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બુધવાર મોડી રાત્રે પાર્થની ઘરેથી ધરપકડ કરી હતી.
નિલમની ફરિયાદમાં પાર્થનાં માતા-પિતાનું પણ પાર્થની મદદ કરવા બદલ આરોપી તરીકે નામ હોઇ પોલીસે બુધવાર સાંજે પાર્થની માતા દિપ્તીબેનની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પાર્થના પિતા અમિત વસાવડા હાલ વિદેશ છે. યુવતી પર બળાત્કારના આરોપસર પકડાયેલા પાર્થે પોલીસની પૂછપરછમાં યુવતી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, નિલમ સગાઇ બાદ પણ અન્ય યુવકો સાથે તેની જાણ બહાર વાતો કરતી તે મુદ્દે બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી.
યુવતીના ઘરે બે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધમકીભર્યા ફોન આવતા હતા
ભાવિ પતિ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી પીડિત નિલમનાં પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો, કે આ ઘટનાને પોલીસમથક સુધી ન લઇ જવા બે ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં તેમના ઘરે ધમકીભર્યા ફોન આવતા હતા, જે પૈકી એક અધિકારી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સક્રિય હોવાનો આક્ષેપ કર્યો છે.
જો કે આ બંને અધિકારીઓ કોણ છે તે અંગે નિલમનાં પિતાએ હાલ નામ આપી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સરખેજ પોલીસમથકનાં પી.આઇ. પણ ઓચિંતિ રજા ઉપર ઊતરી જતાં ખુદ પોલીસબેડામાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
સાસુને મોડલિંગનો શોખ
પીડિત નિલમના આરોપ અનુસાર, પાર્થની માતા દીપ્તિબેનને મોડલિંગ કરવાની ઇચ્છા હતી, જેથી શહેરનાં એક મોલની એડમાં તેણે કામ અપાવ્યું હતું, એટલુંજ નહીં, તે મોડલિંગ પહેલા સુરેન્દ્રનગરનાં દસાડામાં આવેલા એક ફાર્મ હાઉસમાં થયેલા ફોટો શૂટનાં રૂપિયા પણ નિલમે આપ્યા હતા, બાદમાં આ એડમાંથી મોલ સત્તાધીશોએ દીપ્તિબેનનો ફોટો હટાવી લેતાં દીપ્તિબેને નિલમને કારણે જ તેનો ફોટો નીકળી ગયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.