કપડવંજ કેળવણી મંડળ સંચાલિત પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજના એસવાયબીએસસીના વિદ્યાર્થી જહાંગીડ દશરથ લક્ષ્મણરાવ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન ન્યુ દિલ્હી દ્વારા પ્રેરિત ‘ક્રિએટિંગ એન ઇનલાઇટન્ડ ઈન્ડિયા નેશનલ મિશન ઓફ એજ્યુકેશન થ્રુ આઈટીસી’ અંર્તગત સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૨૦ વિદ્યાર્થીઓમાં પસંદગી પામ્યાં છે.
તેઓને માનવ સંશાધન ખાતાના કેન્દ્રિયમંત્રી કપિલ સબિ્બલના હસ્તે આઇઆઇટી જોધપુરના વિદ્યાર્થીઓએ બનાવેલું મિનિ કમ્પ્યુટર-ટેબ્લેટ ‘આકાશ’ આપવામાં આવ્યું છે. આશરે R ૨૨૭૬ની નજીવી કિંમતે બનાવવામાં આવેલા આ કમ્પ્યુટર વિદ્યાર્થીઓને ૫૦ ટકાની સબિ્સડી સાથે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સંસ્થાનું ગૌરવ વધ્યું હોવાનું કહેતાં કોલેજના આચાર્ય ડૉ.એ.જે.રાવલે જણાવ્યુ હતું કે ‘મધ્યમવર્ગીય કુટુંબના દશરથ જહાંગીડે અનેક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે મહેનત કરીને સ્વાવલંબી બનવાનો પુરૂષાર્થ કર્યો છે. તે આપબળે આગળ આવવા માટે કટિબદ્ધ છે.’
સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી દશરથે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મારી આ સિદ્ધિનો યશ કોલેજના અધ્યાપકો છે.
ગુજરાતમાંથી પસંદ થયેલાં ૨૦ વિદ્યાર્થીઓમાંથી ૫ વિદ્યાર્થીઓને જોધપુર ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં મારો સમાવેશ કરાયો હતો. આર્થિક કારણોસર લેપટોપ કે અન્ય કમ્પ્યુટર વસાવી ન શકતા વિદ્યાર્થીઓ માટે આ વરદાનરૂપ છે. આ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કોઈપણ વિદ્યાર્થી ઈન્ટરનેટના માધ્યમથી તેની શૈક્ષણિક કારિર્કદી ઉજજવળ બનાવી શકશે. વિશ્વના ગમે તે ખૂણેથી અભ્યાસ પ્રાપ્ત કરી શકશે.’
ફીડબેકના આધારે આકાશમાં સુધારાં-વધારાં
દશરથે જણાવ્યું હતું કે ‘ગુજરાતના ૨૦ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ‘આકાશ’ આપવામાં આવ્યા છે. આનો એક મહિના સુધી અમારે ઉપયોગ કર્યા પછી તેનાં પ્રતિભાવ કેન્દ્રને મોકલવાના રહેશે. વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે અપાયેલાં કમ્પ્યુટર ‘આકાશ’ અંગેના ફીડબેક મેળવ્યાં પછી તેમાં સુધારાં-વધારાં કરવામાં આવશે.’