આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)ના પ્લેસમેન્ટ વીકમાં બિહારના એક સામાન્ય પરિવારમાંથી આવતાં કુમાર અમરીષ મિશ્રાને યસ બેંક દ્વારા પ્રતિ વર્ષ રૂ.૧પ લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. યસ બેંકના એગ્રિકલ્ચર રૂરલ સોશ્યલ બેંકગિમાં સિનિયર મેનેજરના હોદ્દા પર કુમાર અમરીષની પસંદગી કરવામાં આવી છે.
ઇરમામાં પ્લેસમેન્ટ વીક દરમિયાન ત્રણ જ દિવસમાં ૩૧મી બેચના તમામ ૧૦૫ વિદ્યાર્થીને વિવિધ ક્ષેત્રમાં નોકરીની તક સાંપડી હતી. વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ રૂ.૪થી ૧પ લાખ સુધીનું પેકેજ ઓફર કરાયું હતું. વિદ્યાર્થીઓને સરેરાશ રૂ.૮.૧ લાખનું પગારધોરણ નક્કી થયું હતું. પ્લેસમેન્ટ વીકમાં જુદાં જુદાં ક્ષેત્રની ૬પ સંસ્થાઓ દ્વારા રરપ નોકરીની તક રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે પણ સૌથી નોકરીની સૌથી વધુ તક ડેરી ક્ષેત્રમાં સાંપડી હતી.
પ્લેસમેન્ટ વીસકમાં ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી), મધર ડેરી, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ, સોસાયટી ફોર એલીમેનેશન ઓફ રૂરલ પાવર્ટી (એસઇઆરપી), ગર્વમેન્ટ ઓફ આંધ્રપ્રદેશ અને આઇટીસી ઇ ચૌપાલ જેવી સંસ્થાઓએ ભાગ લીધો હતો. બિહાર સરકારની બિહાર રૂરલ લાઇવલીહુડસ પ્રમોશન સોસાયટીના ‘જીવિકા’ પ્રોગ્રામ માટે ૧૬ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. કેનકોર ઇનગ્રેડિયન્સ લિમિટેડ, કોચીન દ્વારા નવ જગ્યા પર નોકરીની તક આપવામાં આવી હતી.
સ્પાઇસ બોર્ડ ઇન્ડિયા કોચીન દ્વારા એક તથા રાબો બેન્ક ઇન્ડિયા દ્વારા એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી.
ગ્રામીણમાં પણ ઉજળી તક
બિહારના ભાગલપુરના વતની કુમાર અમરીષ મિશ્રાના પિતા શોભાકાન્ત મિશ્રા સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક છે. જ્યારે માતા મીના જા ગૃહિણી છે. કુમાર અમરીષે જણાવ્યું હતું કે ‘ઇરમામાં વિદ્યાર્થીઓ પૈસા માટે નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કામ કરવાના ઉદ્દેશ્યથી આવે છે. અમે પૈસાને નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ. ગ્રામીણ વિસ્તારમાં કામ કરવા સાથે સારાં પૈસા મળતાં હોય તો બહાર જવાની જરૂર નથી. નાના શહેરમાંથી આવતાં વિદ્યાર્થીઓ ઇરમામાં અભ્યાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસ સાથે પોતાની કારકિર્દીને ઉજજવળ બનાવી શકે છે. યસ બેંક દ્વારા અન્ય ત્રણ વિદ્યાર્થીઓની મેનેજર તરીકે નિયુકિત કરીને R બાર લાખનો પગાર ઓફર કરવામાં આવ્યો છે.’