- કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે હેરાફેરી કરતા જીપ ચાલકોનું ઉદ્ધતાઇભર્યું વર્તન
માત્ર અમદાવાદની જ ગાડીને કેમ પકડો છો કહીને મેમો આપનાર પોલીસ સાથે ચડભડ કરનાર અમદાવાદના ચાર વાહનચાલકની કારેલીબાગ પોલીસે અટકાયત કરતાં ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતાં ખાનગી વાહનો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે શુક્રવારે ખાનગી વાહનો પર તવાઇ બોલાવતાં વિવાદ સર્જાયો હતો. ખાનગી વાહનના ચાલકે માત્ર અમારી અમદાવાદની જ ગાડીઓને કેમ પકડો છો, બીજી ગાડી દેખાતી નથી.
મને ઓળખતા નથી, હું તમારી વિરુદ્ધ અરજી કરીશ અને તે અરજી તમને ભારે પડી જશે. બધાને લઇને તમારા સીપી (પોલીસ કમિશનર) ને મળવા જાઉં છું તેમ કહી ચડભડ કરી હતી. બીજી બાજુ અમદાવાદના અન્ય ત્રણ વાહન ચાલકોએ પણ અમને મેમો આપ્યો છે તે પાછો લઇ લો નહિ તો જોવા જેવી થશે કહી સરકારી કામમાં દખલગીરી કરી હતી.
કારેલીબાગ પોલીસે અમદાવાદ સીટીએમના અક્ષરધામ ઇન્ટરસિટી એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશ ડાહ્યાભાઇ પટેલ ,સીટીએમ નવરત્ન એપાર્ટમેન્ટના ગૌરવ જિતેન્દ્ર શાહ, રામોલ રોડ કાયસ્થ કોકના કેવીન જોનભાઇ કિશ્વિયન અને ઇસનપુર હરિપાર્ક સોસાયટીના વૈધ્ય પ્રકાશ તિવારી સામે સરકારી કામમાં અડચણરૂપ બનવાનો ગુનો નોંધી ચારે જણની અટકાયત કરી હતી.