વડોદરામાં ગઈ કાલે ૭ ડિગ્રી તાપમાનની સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયા બાદ આજે ઠંડીનો મિજાજ સહેજ નરમ પડયો હતો. સવારથી જ તાપમાનમાં ગઈ કાલની સરખામણીએ બપોર સુધી ૩ ડિગ્રી વધુ નોંધાયું હતું. પરિણામે ગુરુવારે ઠંડીથી ધ્રુજતા વડોદરાવાસીઓને આંશિક રાહત મળી હતી. જોકે આજે લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી ઊંચે જઈને ૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
શુક્રવારે વહેલી સવારથી જ તાપમાન ઓછું નોંધાયું હતું પણ પવનની ઝડપ વધતા બપોરે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હતી. જોકે દસ વાગ્યાની આસપાસ પવનોએ દિશા પલટી અને પૂર્વ દિશા તરફથી ફૂંકાવાના શરૂ થતાં તાપમાન ૨૦ ડિગ્રીને પાર કરી જતાં છેલ્લા ચાર દિવસનું ૧૧.૩૦ કલાકનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બપોર બાદ પણ સૂરજદાદાના તડકાની અસરે વાતાવરણને હૂંફાળુ બનાવતાં વડોદરાવાસીઓને આકરી ઠંડકમાંથી જાણે કામચલાઉ મુક્તિ મળી હોય તેવો હાશકારો અનુભવાયો હતો.