સયાજીગંજ ટાવરના ઐતિહાસિક ઘડિયાળના રિપેરિંગ બાદ શહેરના ઐતિહાસિક ટાવરોનાં ઘડિયાળના રિપેરિંગની કામગીરી તેના અનુભવી નાસિકની કંપની પાસે ટેન્ડરના બાધ વગર કરાવવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે. શહેરમાં ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ ટાવર, માંડવી, સયાજીગંજ ટાવર, વાડી ટાવર વગેરે ઇમારતોમાં ઘણાં જ જુનાં ઘડિયાળો આવેલા છે.
આ ઘડિયાળોના પાર્ટસ પણ ઘસાઇ ગયા હોવાથી તેને બદલવાની જરૂરિયાત ઊભી થઇ છે. જેમાં યે, સયાજીગંજ ટાવરનું ઘડિયાળ છેલ્લાં ત્રણ વર્ષથી બંધ હાલતમાં હતું. ઐતિહાસિક ઇમારતોની ઘડિયાળોની રિપેરિંગની કામગીરી જુદા જુદા સ્તરે કરી શકે તેવી અજન્ટા વોચ કંપનીને તેમજ સ્થાનિક જાણકાર ઘડિયાળીને પણ દશ મહિના પહેલાં રૂબરૂ બોલાવીને ઓફર ભરવા સેવાસદનના સત્તાધીશોએ કહ્યુ હતું.
પરંતુ, નાસિકની ગણેશ વોચ કંપની દ્વારા ઉક્ત બાબતની જાણ થતાં કંપનીના સત્તાધીશોએ સ્થળ મુલાકાત લઇને અંદાજ આપ્યો હતો. નાસિકની કંપનીના સૂચન મુજબ બાહ્ય દેખાવ-કાંટા યથાવત રાખીને, અંદરના મિકેનિઝમને ઇલેકટ્રોનિક સરિર્કટ દ્વારા ફેરવવાનુ છે.
નાસિકની ગણેશ વોચ કંપની દ્વારા સયાજીગંજ ટાવરની કામગીરી પ્રાયોગિક ધોરણે કરવામાં આવે અને આ કામગીરી નવ માસ સુધી સંતોષજનક જણાય તો જુદી જુદી જગાના ટાવરમાં પણ આ પદ્ધતિ મુજબની કામગીરી કરાવવા નિયમ મુજબ ટેન્ડર મંગાવી કામગીરી કરાવવાને પણ માન્યતા આપવાની પણ ભલામણને જાન્યુઆરી મહિનામાં મંજૂર કરવામાં આવી હતી.
સયાજીગંજ ટાવરની ઘડિયાળ છેલ્લા સાત મહિનાથી કાર્યરત છે ત્યારે ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ, રાવપુરા ટાવર, માંડવી, વાડી ટાવર સહિતની ઐતિહાસિક ઇમારતો ઉપરની ઘડિયાળો અંગેની કામગીરી વહેલી તકે કરાવવા માટે ધારાસભ્યે પણ રજુઆત કરી હતી. જેથી, ટેન્ડર પ્રક્રિયાનો બાધ લીધા વગર નાસિકની જ ઉક્ત કંપની પાસે કરાવવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિને કરવામાં આવી છે.