-આઠ દિવસની ચર્ચા બાદ સેવાસદનની સ્થાયી સમિતિને R ૨૫ કરોડનો વેરાવધારો વાજબી ન લાગ્યો
-કમિશનરે સૂચવેલ નવું વેરાનું માળખું હાલ પૂરતું મુલતવી રખાયું
-જૂના બાકી વેરાની વસૂલાત કરવા લોક અદાલત ઊભી કરાશે
-વેરા વગરના બજેટને ડૉ.વિજય શાહ સમગ્ર સભામાં રજૂ કરશે
-૧૮૦ કરોડની વેરા વધારવાના બદલે જૂની વસૂલાત પર ભાર મુકાશે
-૨૫ કરોડ રૂપિયાની આવક વધારવાની દરખાસ્ત કરી હતી
વડોદરા શહેરના નાગરિકો પર તોળાઇ રહેલો રૂ.૨૫ કરોડનો વેરા વધારો સૂચવેલી બજેટ દરખાસ્તને ચૂંટાયેલી પાંખની સ્થાયી સમિતીએ ફગાવી દઇ ઝીરો ટેક્સ બજેટ મંજુર કર્યું છે. મ્યુનિ.કમિશનરે બજેટ રજુ કર્યા બાદ સૂચિત પાણી વેરાના વધારોનો કરોડોનો બોજો શહેરીજનો પર પડે તો શું થાય? કેમ વેરો ન નાંખવો જોઇએ? સહિતની ચર્ચા માટે ‘દિવ્ય ભાસ્કરે’ પહેલ કરીને શહેરના વેપારીઓ, ટેક્સ કન્સલટન્સ, નાગરિકો અને નિષ્ણાતોને બોલાવીની ચર્ચાસત્ર યોજ્યું હતું.આ સત્રનો સ્પષ્ટ સૂર હતો કે નાગરિકો પર આ વેરાબોજ ન લદાવો જોઇએ. જેના કારણે આવેલી જાગૃતિ વિશે જાણી સત્તાધિશોને આ વેરો નહિ લાદવાની ફરજ પડી છે. આજે કુલ R ૨૧૭૦ કરોડના ‘ઝીરો ટેક્ષ’ બજેટને સવૉનુમતે બહાલી આપાઇ હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ ડૉ.વિજય શાહે જણાવ્યું હતું કે મ્યુ. કમિશનરે સેવાસદનના વર્તમાન વેરાના માળખામાં સુધારો કરવાની ભલામણ કરી નવી પદ્ધતિથી R ૨૫ કરોડની આવક વધારવાની દરખાસ્ત કરી હતી. પરંતુ હાલ સેવાસદનની જૂની વેરા વસૂલાત R ૧૮૦ કરોડથી વધુની બાકી છે. જે વસુલાય તો નવો વેરો નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જે બાકી રકમની વસૂલાત માટે ખાસ ઝૂંબેશ ચલાવવા સાથે વિવાદોના ઉકેલ માટે લોક અદાલત જેવી વ્યવસ્થા પણ ઊભી કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે કમિશનરે સૂચવેલા સીધા વેરાને ફગાવનાર સ્થાયી સમિતિએ અન્ય લાગતોમાં નજીવો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા આઠ દિવસથી સ્થાયી સમિતિમાં ચાલેલી ચર્ચા બાદ મંજૂર કરવામાં આવેલા બજેટમાં કમિશનરે રજૂ કરેલા વિચારોમાં કોઈ જ પ્રકારનો ફેરાફાર કરવામાં આવ્યો નથી. જેમાં માત્ર આંકડાકીય સુધારા વધારા કરી સૂચિત અને સુધારેલા બજેટને મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિએ મંજૂર કરેલા બજેટને ખાસ સામાન્ય સભાની બેઠકમાં રજૂ કરશે. જેમાં બજેટ પર તમામ પક્ષના સભાસદોની રજૂઆતો સાંભળ્યા બાદ આગામી ૨૦મી ફેબ્રુઆરી પહેલા મંજૂરી આપવામાં આવશે.
રૂ. ૨૫ કરોડના વેરા ફગાવતી આંકડાની માયાજાળ
કમિશનરે સૂચવેલા વેરા ફગાવવા સાથે સ્થાયી સમિતિએ કોઈ નક્કર આયોજન રજૂ કરવાના બદલે માત્ર આંકડાકીય હેરાફેરી કરી સંતોષ માન્યો હતો. જેમાં જમીન વેચાણની R ૧૪૦ કરોડની આવક વધારી R ૧૫૦ કરોડ , ઈમ્પેકટ ફીના R ૫ કરોડની આવક વધારી R ૨૫ કરોડ તથા ભાડા પટ્ટે આપેલી મિલકતો પાસે જંત્રીના દરે ભાડું વસૂલવાની ભલામણ કરી R ૫ કરોડની આવક દર્શાવી છે.
વિકાસ માટે લોન પણ કોર્પોરેટરોને લ્હાણી..!
શહેરમાં વિકાસના કામો બેંકોમાંથી લોન લેવાની વાત બજેટમાં કરવામાં આવી છે. શહેરીજનોના માથે દેવું કરવાની વાતો વચ્ચે સ્થાયી સમિતિએ કોર્પોરેટરોના કવોટાની રકમ R ૫ લાખ યથાવત રાખી ફોડવારીના આપવામાં આવતાં R ૧૫ લાખની રકમ વઘારી સ્થાયી સમિતિએ R ૧૮ લાખ કરી છે. ત્યારે કોર્પોરેટરોને કરવામાં આવેલી લ્હાણી ચર્ચાનું કેન્દ્ર બની હતી.
ગોરવા, સમા- વાસણામાં નવી પાણીની ટાંકી
શહેરમાં નવા વિકસતા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખી પાણીના દબાણને વધારવા માટે છેવાડે આવેલા ગોરવા, સમા અને વાસણા રોડ ખાતે પાણીની ત્રણ નવી ટાંકીઓ બનાવવાની ભલામણ સ્થાયી સમિતિએ બજેટમાં કરી છે. જે માટે R ૩ કરોડના અલાયદા બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે.
બજેટમાં સ્થાયી સમિતિએ સભાને કરેલાં મહત્વના સૂચનો
-જૂની ટેક્ષ અપીલના નિકાલ માટે લોક અદાલતનું આયોજન કરવું
-સેવાસદનની ખુલ્લી જમીનો રમતગમતના મેદાન તરીકે વિકસાવવી
-પે એન્ડ પાર્કની જગ્યા પર રાત્રિ બજારો તરીકે વિકસાવવા
-સ્ટ્રીટલાઈટ મેઈન્ટેન્સનું ખાનગીકરણ કરવું
-સોલાર એનર્જિથી વીજળી ઉદ્પાદન કરવાનું આયોજન કરવું
-ચાર ઝોનના ચાર અતિથિગૃહનું ખાનગીકરણ કરવું
-ચાર ઝોનમાં ટીપીના રિઝર્વ પ્લોટની જમીનો પર પાર્ટી પ્લોટ વિકસાવવા
-હયાત સ્લોટર હાઉસનું સ્થળાંતર કરી નવું બનાવવું
-પૂર્વ વિસ્તારમાં નવું સ્મશાનગૃહ બનાવવું
-કારેલીબાગ સાથે અકોટામાં પણ નવો સ્વિમિંગ પુલ બનાવવો
-માંડવી અને ચાર દરવાજાની મરામત કરવી
-શહેરની ફરતે નવો આઉટર રિંગ રોડ બનાવવો
-પાણી પુરવઠા માટે માસ્ટર પ્લાન ૨૦૪૦ બનાવવો