-દંપતી વચ્ચે ઘરની બહાર કચરો નાખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી
-રાજકુમારનું ચાર વર્ષ અગાઉ તેના વતનમાં રહેતી પૂનમ સાથે લગ્ન થયું હતું
મકરપુરાની પરિણીતાને પતિ સાથે કચરો ફેંકવાની બાબતે થયેલી બોલાચાલી થતા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુથારીકામ કરતા રાજકુમાર રામશંકર શર્માનું ચાર વર્ષ અગાઉ તેના વતનમાં રહેતી ૨૪ વર્ષીય પૂનમબહેન સાથે લગ્ન થયું હતું. લગ્ન બાદ સાત માસથી દંપતી પ્રતાપનગર રેલવે કોલોની પાછળ અનુપમનગરમાં રહેવા ગયું હતું. ગુરુવારે દંપતી વચ્ચે ઘરની બહાર કચરો નાખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ તકરાર બાદ શુક્રવારે સવારે રાજુકમાર કંપનીમાં સુથારીકામે જતાં તેની પત્નીએ રસોડામાં સીલિંગના હૂકમાં નાઇલોનની દોરી વડે ફાંસો ખાધો હતો. બનાવની જાણ થતાં જ તેનો પતિ ઘરે દોડી ગયો હતો. આ બનાવની મકરપુરા પોલીસ મથકે જાણ કરાતાં એસીપી રાવ તેમજ મકરપુરા પીઆઈ ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મકાનમાં તપાસ કર્યા બાદ પૂનમબહેનના મૃતદેહને સયાજીમાં મોકલી આપ્યો હતો.