વડોદરાના બાજવાડા સ્થિત શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધશિ્ર્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના તાબા હેઠળ અમેરિકાની ધરતી પર ત્રણ વૈષ્ણવ હવેલીઓનું નિર્માણ કરાશે. આ સાથે શ્રી કલ્યાણરાયજી મંદિરના તાબા હેઠળ અમેરિકામાં પાંચ વૈષ્ણવ હવેલીઓ ટૂંકા ગાળામાં બનશે.
જન્માષ્ટમી બાદ અમેરિકામાં ત્રણ નવી વૈષ્ણવ હવેલીઓના નિર્માણ માટે હાથ ધરાનાર કાર્યવાહીની માહિતી આપતાં વૈષ્ણાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા શહેરમાં ગોકુલધામ, ફ્લોરિડામાં પુષ્ટિધામ અને કનેકટીકટમાં વલ્લભધામ નામકરણ સાથેની હવેલીઓનું નિર્માણ કરાશે. આ માટે જમીન અને સંકુલ સંપાદન કરી દેવામાં આવી છે.
વૈષ્ણવાચાર્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ હવેલીઓમાં બાળ સંસ્કાર કેન્દ્ર, મેડિકલ સુવિધાઓ ઉપરાંત હવેલી સંગીત, સુગમ સંગીત, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, હિન્દી-અંગ્રેજીના વર્ગો, શ્રીઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવાના વિશિષ્ટ કલાસિસ શરૂ કરાશે.
વૈષ્ણવ આગેવાનો રાજુભાઇ શાહ, નંદકિશોર શાહ અને કોર્પોરેટર કિશન શેઠે જણાવ્યું હતું કે, આ હવેલીઓમાં માત્ર પુષ્ટિ પરંપરા જ નહીં પરંતુ સનાતન વૈદિક ધર્મની પરંપરાઓ, સંસ્કારો અને સંસ્કૃતિનું અતિવ્યાપક સંધાન કરાશે. શિકાગો સ્થિત શ્રીજીદ્વાર હવેલી અને કેલિર્ફોર્નિયાની શ્રીમય કૃષ્ણધામ હવેલી સાથે વડોદરાના કલ્યાણરાયજી મંદિરના તાબાની પાંચ હવેલીઓનો લહાવો ભારતીય અને વૈષ્ણવ પરિવારોને મળશે.