વડોદરામાં ૧૦૮.૩૩ ટકા અને સંખેડામાં ૧૦૮.૧૫ ટકા વરસાદ નોંધાયો
ચોમાસું પૂરું થવાને હજુ એક મહિનાનો સમય બાકી રહ્યો છે તેમ છતાં વડોદરા શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે ગયા વર્ષના અંતમાં નોંધાયેલા વરસાદના આંકડાને આ વર્ષે એક મહિના પહેલાં વટાવી દીધો છે.
શહેરનો સરેરાશ વરસાદ ૧૦૫૦ મિ.મી. છે. જેની સામે ગઇકાલના પાંચ ઇંચ વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીનો વરસાદ ૧૧૫૫ મિ.મી. થવા પામ્યો છે. એટલું જ નહીં ગયા વર્ષે ચોમાસાના અંતમાં નોંધાયેલા ૫૯૨ મિ.મી. વરસાદની સરખામણીએ આજે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં શહેરમાં બેગણો એટલે કે, ૧૧૫૫ મિ.મી. વરસી ચૂક્યો છે.
બીજી તરફ જિલ્લાના અન્ય ૧૧ તાલુકામાં પણ સંતોષકારક વરસાદ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. જિલ્લામાં કુલ ૪.૪૫ લાખ હેકટર વાવેતરલાયક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૪.૪૦ લાખ હેકટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ચાલુ મોસમમાં શહેર-જિલ્લામાં સરેરાશ વરસાદની સામે ૭૨ ટકા વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતાં ૩૦ ટકા વધુ હોવાની માહિતી સાંપડી છે.
જિલ્લાના ચાર તાલુકામાં ૫૦ ટકાથી ઓછો વરસાદ
શહેર-જિલ્લામાં આ વર્ષે વધારે વરસાદ થયો હોવા છતાં ચાર તાલુકામાં ૫૦ ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં ડભોઇ તાલુકામાં ૪૮.૫૩ ટકા(૫૬૦ મિ.મી.), શિનોર તાલુકામાં ૪૪.૬૩ ટકા(૩૫૫ મિ.મી.), કવાંટ તાલુકામાં ૪૨.૧૪ ટકા( ૪૭૦ મિ.મી.) અને કરજણ તાલુકામાં ૪૨.૨૮ ટકા( ૪૫૨ મિ.મી.) વરસાદ થયો છે.