- ભેજાબાજ ગઠિયાઓ નિર્દોષ ખાતેદારોને પણ ફસાવી દે તેવી પણ સંભાવના - અમારું ખાતુ તો ગઠિયાઓએ હેક નથી કર્યું ને ? ખાતેદારોની પોસ્ટ ઓફિસમાં દોડધામ
અલેમ્બિક પોસ્ટ ઓફિસના બંધ ખાતાઓ ઓપરેટ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના ચકચારી બનાવમાં હજી સુધી પોસ્ટ ખાતાએ ફરિયાદ દાખલ કરી ન હોવાના કારણે પોસ્ટ ખાતું ફરિયાદ દાખલ કરવામાં આટલી ઢીલાશ કેમ દાખવી રહ્યું છે? તે બાબત પણ ભારે ચર્ચાનો વિષય બની છે.
બીજી તરફ કરોડોના કૌભાંડમાં પોલીસ તરફથી પણ કોઇ તપાસ શરૂ કરવામાં આવી ન હોવાના કારણે આ બાબત પણ ભારે ચર્ચાનો વિષય બની છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના ગોરવા રોડ પર આવેલી એલેમ્બિક પોસ્ટ ઓફિસમાં બંધ ખાતાં ચાલુ કરી તેમાં કરોડો રૂપિયાના ગોરખધંધાનો ખેલ ખેલાતો હોવાની ઘટના સપાટી ઉપર આવતાં આ બનાવના પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
લોકોમાં થતી ચર્ચા મુજબ એલેમ્બિક પોસ્ટ ઓફિસમાં એક એજન્ટે પોસ્ટ વિભાગના કર્મચારીઓની મીલીભગતથી બંધ ખાતાં ચાલુ રાખ્યા હતા. આ ખાતાં ચાલુ રાખી આ ખાતાંમાં નાણાંકીય લેવડદેવડ કરી સરકારના કરોડો રૂપિયાની ઘાલમેલ કરી મોટું કૌભાંડ આચર્યું હતું.
આ કૌભાંડની જાણ થતાં પોસ્ટ વિભાગના ઉચ્ચાધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે. પરંતુ આ ગોરખધંધામાં સરકારના કેટલા રૂપિયાની ઉચાપત થઇ છે તેની કોઇ માહિતી હજુ સુધી બહાર આવી નથી.
દરમિયાન પોસ્ટ વિભાગમાં થયેલા આ કૌભાંડની જાણ ઉચ્ચસ્તરે થતાં ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. એટલું જ નહીં આ કૌભાંડમાં તત્કાળ કસુરવારો સામે પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા છે.
દરમિયાન સમગ્ર ઘટનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોઇ આ બનાવની તપાસ સીબીઆઇને સોંપાય તેવી અટકળો પણ વહેતી થઇ છે જેના કારણે પોસ્ટ વિભાગમાં સોપો પડી ગયો છે.
આ કૌભાંડમાં સંડાવાયેલા મનાતા એજન્ટ તેમજ અન્ય કસુરવારો પોતાની પોલ ખુલ્લી પડ્યા બાદ બચવા માટે દોડધામ કરી રહ્યા છે.તો બીજી તરફ આ ઘટનામાં રાજકીય હસ્તક્ષેપ પણ શરૂ થયો હોવાની પણ વિગતો સપાટી પર આવી છે.
એલેમ્બિક પોસ્ટ ઓફિસના બંધ થયેલા ખાતાં ચાલુ કરાવી થયેલા કૌભાંડ બાદ આ પોસ્ટ ઓફિસના ખાતેદારોનો તેમના ખાતાં ચકાસવા આજે ધસારો રહ્યો હતો. આ ઘટનાને લઇ વડોદરા શહેરના પોસ્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભેજાબાજોએ પોસ્ટનું કરોડોનું કૌભાંડ કેવી રીતે આચર્યું?
પોસ્ટના કરોડોના કૌભાંડમાં ભેજાબાજ શખ્સોએ એવી પદ્ધતિ અખત્યાર કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષથી ચાલતાં આ કૌભાંડની કોઇને ભનક પણ આવી ન હતી.
પ્રાપ્તથયેલી માહિતી મુજબ પોસ્ટ ખાતામાં એમ.આઇ.એસ. ખાતુ ખોલાવનાર ખાતેદરાનું રૂ.૧૧૦ સાથે સેવિંગ્ઝ એકાઉન્ટ પણ ખોલવામાં આવતું હોય છે. જે વ્યક્તિને એમ.આઇ.એસ.નો ૧૦ ટકા સાથેનો ચેક આપવામાં આવતો હતો તે. ખાતેદરાનું ભેજાબાજ શખ્સો સેવિંગ્ઝ અકાઉન્ટ બંધ કરતાં ન હતા.
એક તરફ ખાતેદારને એમ.આઇ.એસ.ના ચેકના નાણાં મળી જતાં હતા ત્યારે બીજી તરફ એજન્ટો પોસ્ટ ખાતના કર્મચારીઓના મેળાપિપણમાં ચેકની એન્ટ્રી ડિલીટ કરી દેતા હતા અને ત્યાર બાદ ખાતેદારના સેવિંગ્ઝ એકાઉન્ટમાં ફરી એટલી જ રકમના ચેકની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ રકમ પાછળથી બોગસ સહી મારફતે ઉપાડી લેવામાં આવતી હતી.
આમ, એજન્ટ અને કેટલાક લેભાગુ કર્મચારીઓના પાપે પોસ્ટ ખાતાને ડબલ નાણાં ચૂકવવા પડતાં અને આ રીતે કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો હતો.
આરોપીઓને બચાવવા માટે ધમપછાડા
પોસ્ટના કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક એજન્ટના છેડા ઉંચી પહોંચ ધરાવતાં વ્યક્તિઓ સાથે જોડોલા હોવાના કારણે કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને બચાવવા માટે હાલ મરણીયા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
પ્રાપ્તથયેલી માહિતી મુજબ ગઇકાલે કેટલાક વગદાર વ્યક્તિઓએ વડોદરા નજીકના એક ફાર્મ હાઉસમાં એક બેઠક યોજીને આ કૌભાંડ પર પડદો કેમ પાડી શકાય તે બાબતે ચર્ચા વિચારણા થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
દર છ મહિને ઓડિટ છતાં જાણ કેમ ન થઇ ?
પોસ્ટ ખાતામાં એમ.આઇ.એસ. ખાતાનું દર છ મહિને ઓડિટ થતું હોય છે. વડોદરામાં પોસ્ટ ખાતાનું જે કરોડોનું કૌભાંડ સપાટી પર આવવા પામ્યું છે તે કૌભાંડ ઓડિટમાં પણ ખુલ્યું ન હોવાના કારણે અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે. લોકોમાં થતી ચર્ચા મુજબ આ કૌભાંડમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાના કારણે લાંબા સમયથી ચાલતાં આ કૌભાંડની જાણ થઇ શકી ન હતી.
૨૫૦થી વધુ ખાતેદારોનાં ખાતાં ખાઇ એજન્ટો કરોડપતિ બની ગયા
પોસ્ટ ખાતાના કર્મચારીઓના મેળા પિપણમાં સર્જાયેલા કરોડોના કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં જ ૨૫૦થી વધુ ખાતેદારોના ખાતાઓ ઓપરેટ કરીને મુખ્ય એજન્ટ તેમજ તેના પેટા અજન્ટ અને સાગરીતોએ કૌભાંડ આચયું હોવાની વિગતો સપાટી પર આવવા પામી છે.