વિશ્વભરમાં એથ્લેટિકસ ક્ષેત્રે વડોદરાનું નામ રોશન કરનાર રઝિયા શેખની આગામી કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિકસની ઇવેન્ટ્સ માટે ટેકનિકલ ઓફિશિયલ તરીકે વરણી થતાં આવી નિમણુંક મેળવનાર તે વડોદરાની પ્રથમ એથ્લેટ બની છે. નવી દિલ્હી ખાતે તા.૩ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં રઝિયા શેખ ટેકનિકલ ઓફિશિયલ તરીકે સત્તાવાર રીતે કામગીરી બજાવશે. અગાઉ એશિયન એથ્લેટિકસ સ્પર્ધામાં પણ તેણે ટેકનિકલ ઓફિશિયલ તરીકે કામગીરી બજાવી હતી.
ઉલ્લેખનિય છે કે રઝિયા શેખને કોમનવેલ્થ આયોજન કમિટિ દ્વારા છેલ્લાં બે માસમાં ત્રણવાર નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવી હતી. તેમજ એથ્લેટિકસની રમતો અંગે રઝિયાની ટેકનિકલ જાણકારી અંગે લેખિતમાં પરીક્ષા લેવામા આવી હતી. જેમાં તે ભારતભરના સ્પર્ધકોમાં બીજા ક્રમે સફળ રહી હતી.
આથી રઝિયાને ટેકનિકલ ઓફિશિયલ તરીકે નિમણુંક આપવામા આવી હતી. રઝિયા શેખ એથ્લેટિકસવિશ્વમાં ખૂબ જાણીતુ નામ છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ૧૮ મેડલો મેળવી અનોખો વિક્રમ કર્યો છે. તદુપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ ૧૦૦ થી વધુ મેડલો મેળવી વડોદરાનું નામ એથ્લે-ટિક્સ વિશ્વમાં ગાજતું કર્યું છે.