-બાજવા રેલવે સ્ટેશન પાસે ચાલતા જુગારધામમાંથી ૧૦ લાખની મત્તા કબજે કરાઈ
-જુગારીઓને લઇ જવા બસ મંગાવવી પડી
-રેલવેની હદમાં શહેર પોલીસની રેડના પગલે ભારે ચકચાર
બાજવા રેલવે સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૮૦ જેટલા જુગારીઓ અંદાજે રૂ.૧ લાખની રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે ૫૩ મોબાઇલ ફોન, ૧૮ ટુ વ્હીલર અને એક લકઝુરિયસ કાર મળી કુલ અંદાજે રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડી.સી.પી. ક્રાઇમ અશોકકુમાર યાદવને બાતમી મળી હતી કે, બાજવા રેલવે સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં રાજુ રમણભાઇ ઝાલા (રહે.ફતેપુરા) નામનો શખ્સ પ્લાસ્ટીકનો તંબુ બાંધી જુગારધામ ચલાવી રહ્યો છે અને ત્યાં રોજ મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા જાય છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. ગેડમ સહિતના કાફલાએ આજે સાંજે છાપો મારતાં આ બનાવના પગલે ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા ૮૦ જુગારીઓની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી જુગારીઓનાં ૧૮ બાઇક, ૫૩ મોબાઇલ ફોન અને લકઝુરિયસ કાર મળીકુલ અંદાજે રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં કોઇ મોટાં માથાં છે કે કેમ ? તેમજ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
જુગારીઓને લઇ જવા બસ મંગાવવી પડી
એક્સાથે ૮૦ જુગારી ઝડપાતાં આ તમામને કેવી રીતે લઇ જવા તે બાબત પોલીસ માટે મુશ્કેલ બની હતી. પોલીસ વાનમાં જુગારીઓ સમાઇ શકે તેમ ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે રાત્રે એક લકઝરી બસ સ્થળ પર બોલાવી હતી અને તમામ જુગારીઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
રેલવેની હદમાં શહેર પોલીસની રેડના પગલે ભારે ચકચાર
જુગારધામની જગ્યા રેલવેની હદમાં આવતી હોવાના કારણે આ બાબતે શહેર પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે વિવાદ સર્જાય તેવી વકી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરવાની મોડી રાત્રે કાર્યવાહી શરૂ કરી હતી. રેલવે એસ.પી.એ જણાવ્યું હતું કે, તેઓ બહાર હોવાથી રેડ બાબતે કોઇ વધુ જાણકારી નથી, પરંતુ રેલવેના અધિકારીઓએ જે જગ્યાએ રેડ પડી તે જગ્યા શહેરની હદમાં આવતી હોવાનું જણાવ્યું હતું.