રાત્રે ૧૨ ના ટકોરે દેવાલયો શંખનાદ અને ઘંટારવથી ગૂંજી ઊઠ્યા
ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતા વડોદરામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતાં કૃષ્ણ ભક્તો ભાવવિભોર બની ઝૂમી ઊઠ્યાં હતા.
દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરમાં આવેલાં વિવિધ દેવાલયો અનેવૈષ્ણવ હવેલીઓ કૃષ્ણ જન્મોત્સવ વેળાએ શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઊઠ્યાં હતા. એટલુંજ નહીં શ્રદ્ધાળુઓએ દારુખાનું ફોડી અને આતશબાજી કરી કૃષ્ણ લલ્લાનો જન્મોત્સવ મનાવ્યો હતો.
દેવકી-વાસુદેવ અને નંદ-યશોદાના લાડલા કનૈયા અને જગતગુરુ તરીકે ેપૂજય ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમીનું પર્વ પરંપરાગત રીતે મનાવાયું હતું. શહેરીજનોએ કૃષ્ણ ભક્તિ અને ઉપવાસ સાથે દિવસ દરમિયાન મંદિરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત સાંજના સમયે શહેરમાં અંદાજે૧૨૫ જેટલાં સ્થળોએ ગોવિંદા આલા રે....ની ધૂન સાથે મટકી ફોડીને માખણ ખાતા માખણચોર કનૈયાના તોફાનની યાદમાં મટકીફોડનાં કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોને જોવા લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં.
બાદમાં રાત્રે ૧૦ વાગ્યાથી મંદિરો, દેવાલયો અને વૈષ્ણવ હવેલીઓમાં મહાઅભિષેક સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. વેદમંત્રો સાથેલાલજીને થતી અભિષેક વિધિના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બરાબરના ૧૨ ના ટકોરે શંખનાદ અને ઘંટારવ સાથે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટ્યને આવકારી નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયાલાલકી..ના ગાન સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.
શ્રીકૃષ્ણ લલ્લાના જન્મ સાથે જ ભક્તોએ દારૂખાનું ફોડી અને આતશબાજી કરતાં શહેરનું વાતાવરણ મધ્યરાત્રિએ ગુંજી ઉઠ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરવા ઉપરાંત કનૈયાને પારણાંમાં ઝુલાવવા મોડી રાત સુધી મંદિરોમાં શ્રદ્ધાળુઓની કતારો જામી હતી.
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની સાથેસાથે મંદિરોમાંભજન સંધ્યા અનેડાયરાના કાર્યક્રમોની રમઝટ જામી હતી.