કાર્યપાલક ઇજનેર(નૂર્મ યોજના) પી.એમ.પટેલનું મોં કાળું કરવાના કોંગ્રેસી કાર્યકરે આચરેલા કૃત્યને પીઢ કોંગ્રેસી અને પૂર્વ સાંસદ સ્વાતંત્રય સૈનિક મનુભાઇ પટેલે વખોડી કાઢી આ ઘટનાથી નાગરિકોના મનમાં નફરત પેદા થઇ છે તેમ જણાવ્યું છે.
પૂર્વ સાંસદ મનુભાઇ પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસી કાર્યકર આવું અસંસ્કારી કૃત્ય કરે અને કોંગ્રેસ પ્રમુખ તેનો બચાવ કરે તે ઘટનાથી કોંગ્રેસની પ્રતિષ્ઠા વધી નથી. પરંતુ કોંગ્રેસની કુસેવા કરી છે તે જાણી લેવું જોઇએ. લોકશાહીમાં વિરોધ કરવાના અનેક રસ્તા છે, મેંા કાળું કરવા જેવા રસ્તાથી જાહેર જીવનમાં પ્રવેશ કરનાર નવી પેઢીને ખોટી તાલીમ મળે છે.
પૂર્વ સાંસદે વધુમાં ટાંકર્યું છે કે, કોંગ્રેસે રચનાત્મક કાર્યક્રમો યોજવા જોઇએ. જે અંતર્ગત ઝૂંપડપટ્ટીના બાળકોના ભણાવવા, સફાઇ કરવી, પ્રૌઢ શિક્ષણનું કામ કરવું, હિંસક પ્રવૃત્તિઓનો વિરોધ કરવો, સરકારી લોકહિત વિરુદ્ધનાં કાર્યો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા ઉપરાંત મતદારોને જાગૃત કરવા જેવાં કાર્યો કરવાથી કોંગ્રેસ મજબૂત થશે.
રોષ જાહેર જીવનમાં આગેવાની લેનાર કોઇ અધિકારી સામે નહીં પણ સેવાસદનના વહીવટ સામે વ્યક્ત કરવાનું આહ્વાન કરી કોઇ વ્યક્તિને ટાર્ગેટ બનાવવાથી પ્રશ્ન નહીં ઉકલે તેમ જણાવ્યું હતું. સાથેસાથે જુના કોંગ્રેસી અને સ્વાતંત્રય સૈનિક તરીકે શાહીથી મોં કાળું કરવાની ઘટનાને વખોડી આવો કાર્યક્રમ કદી કોંગ્રેસનો બની શકે નહીં તેમ જણાવ્યું છે.