વડોદરા સેવાસદનમાં આજે ચોથા શનિવારની રજાના દિવસે બજેટ બેઠકની ચર્ચા યોજાતાં અધિકારીઓમાં કચવાટ વ્યાપ્યો હતો. બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષની થોડા સમય માટે ગેરહાજરીને લઇને પણ નારાજગી ફેલાઇ હતી.
વડોદરા સેવાસદનનું બજેટ તા.૨પમીએ મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.વિજય શાહ દ્વારા આજે રજાના દિવસે બજેટની ચર્ચા માટે સવારે ૧૦ થી બપોરના ૧૨ સુધી બેઠક યોજાતાં અધિકારીઓમાં કચવાટ વ્યાપ્યો હતો. એટલું જ નહીં આ બેઠકમાં અધ્યક્ષ થોડો સમય ગેરહાજર રહેતાં અધિકારીઓમાં આ મુદ્દે નારાજગી સાથે ગણગણાટ જોવા મળ્યો હતો.
દરમિયાન અધ્યક્ષ ડૉ.વિજય શાહે જણાવ્યું હતું કે, બેઠકનો સમય ૧૦ થી ૧૨ નો હતો. બેઠક પૂરી થવાના ૧૦ મિનિટ પહેલાં અગત્યનું કામ હોવાથી ૧૧.પ૦ કલાકે હું રવાના થયો હતો.જતી વેળાએ ૧૨ વાગે બેઠકનું સમાપન કરી લેવાની સૂચના આપીને ગયો હતો. જેથી બેઠકમાં ગેરહાજરી અંગેની ચર્ચા અસ્થાને છે.