એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે જન્માષ્ટમી પર્વ પૂર્વે સરદાર પટેલ ગ્રૂપ, એબીવીપી અને હેપી ક્લબ દ્વારા સંયુક્ત રીતે આયોજિત મટકી ફોડ કાર્યક્રમમાં મટકી ફોડના મુદ્દે સરદાર પટેલ ગ્રૂપ અને હેપી ક્લબના નેતાઓ વચ્ચે ટપલીદાવ અને છુટાહાથની મારામારી થતાં બંને ગ્રૂપના વિદ્યાર્થી નેતાઓને ઇજા પહોંચતાં મામલો તંગ થઇ ગયો હતો. જોકે બંને ગ્રૂપના સિનિયર નેતાઓની દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.
પ્રાપ્તવિગતો મુજબ, આવતીકાલે જન્માષ્ટમી પર્વ પૂર્વે જ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એબીવીપી, સરદાર પટેલ ગ્રૂપ અને હેપી ક્લબે સંયુક્ત રીતે મટકી ફોડનો કાર્યક્રમ યોજયો હતો. મટકી ફોડના આયોજિત કાર્યક્રમમાં ત્રણેય વિદ્યાર્થી પાંખે ડીજેવાળાને બોલાવ્યા હતા. પરંતુ યુનિ.ના વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં ચૂંટણીના જાહેરનામાનો ભંગ થતો હોવાથી છેલ્લી ઘડીએ ડીજે વગાડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હતો. મ્યુઝિક સિસ્ટમ લઇને આવેલા ડી.જે.ના સંચાલકોને પરત મોકલવામાં આવ્યા હતા.
દરમિયાનમાં સરદાર પટેલ ગ્રૂપ અને હેપી ક્લબના કાર્યકર્તાઓ વચ્ચે મટકી ફોડના કાર્યક્રમમાં પહેલા મટકી ફોડના મુદ્દે ચકમક ઝરી હતી. જેમાં કેટલાક અટકચાળા તત્વોએ સરદાર પટેલ ગ્રૂપના અગ્રણી નેતા સાથે ટપલીદાવ કર્યો હતો.
જેથી સરદાર પટેલ ગ્રૂપના વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા. વિદ્યાર્થીઓએ હેપી ક્લબના કાર્યકર્તાઓ સામે ગુસ્સો ઠાલવ્યો હતો. આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે બંને ગ્રૂપ વચ્ચે મામલો તંગ થતાં બંને ગ્રૂપના કાર્યકર્તાઓ બાખડી પડ્યા હતા. મામલો પોલીસ સુધી પહોંચતા બંને ગ્રૂપે સમાધાન કરી મામલો થાળે પાડી દીધો હતો. બનાવને પગલે કેમ્પસમાં ચકચાર મચી હતી.
પરવાનગી વિના ડી.જે. ના કાર્યક્રમનું આયોજન
વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં છેલ્લા એક અઠવાડિયાથી કામ કરતાં પોતાના વિદ્યાર્થી મતદારોને રીઝવવા માટે એબીવીપી, સરદાર પટેલ ગ્રૂપ અને હેપી ક્લબે પ્રતસ્પિર્ધા ભૂલી જઇને ડી.જે.મોર્નિંગનું આયોજન કર્યું હતું. જાહેરનામાનો ભંગ થતો હોવાથી ફેકલ્ટીના સત્તાધીશોએ સયાજીગંજ પોલીસને જાણ કરતાં પોલીસે ડી.જે.વગાડવા માટે પરવાનગી માંગતા, આયોજકો પરવાનગી રજુ કરી શક્યા નહોતા. જેથી પોલીસે ડી.જે.ના સંચાલકને કોમર્સ ફેકલ્ટી પરથી ભગાડી મૂક્યો હતો.