આઠ વર્ષના માસૂમ બાળક શ્રેયની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા હત્યારા હીરેન પટેલના માતા પિતા અને ભાઇએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયમૂર્તિએ ત્રણે અરજદારની જામીન અરજી નામંજુર કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાંપડ ગામમાં રહેતા હિરેન પટેલને વિદેશ જવા માટે રૂ.૧૦ લાખની જરૂર હોઇ પડોશમાં જ રહેતા માસુમ બાળક શ્રેયનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ રૂ.૧૦ લાખની માંગણી કરી હતી અને પાછળથી આ શખ્સે માસૂમ હિરેનની ઘાતકી હત્યા કરી નાંખી હતી.
પોલીસે આ બનાવમાં હત્યારા હિરેનના પિતા જેન્તીભાઇ, માતા ધર્મિષ્ઠાબહેન અને ભાઇ નિમેશની પુરાવાનો નાશ તેમજ મદદગારીના ગુનામાં ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે ત્રણે અરજદારની જામીન અરજી નામંજુર કરી હતી. જેન્તીભાઇ, ધર્મિષ્ઠાબહેને અને નિમેશે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરતા નામંજુર કરી દીધી હતી.