DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ચોંકાવનારો કિસ્સો: સયાજીમાં જીવિત વ્યક્તિને મૃત બતાવી દીધી
Bhaskar News, Vadodara | Jun 17, 2012, 01:24AM IST

- મૃત વ્યકિતની સાથે જીવિત વ્યકિતની ફાઈલ પોલીસ સ્ટેશને મોકલી દેવાઈ
- પોસ્ટર્મોટમ અગાઉ પોલીસની તમામ નોંધમાં જીવિત વ્યકિતના નામની નોંધ થઈ
સયાજી હોસ્પિટલમાં અજાણ્યા દર્દીઓના ફાઈલની અદલાબદલી થતાં જીવીત વ્યકિતને મૃત્યુ પામેલી જાહેર કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વાડી અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં ગત ૧૧મી જૂન, સોમવારે બે અજાણી વ્યક્તિ બીમાર હાલતમાં મળી આવી હતી.
સવારે સાડા નવ કલાકે લહેરીપુરાથી બરાનપુરા જવાના માર્ગ પર આવેલી અંબિકા ફર્ટિલાઇઝર પાસેથી એક વ્યકિત ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ જ દિવસે સોમવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે મહારાણી કન્યા વિદ્યાલય પાસેથી બેભાન હાલતમાં અજાણી વ્યક્તિ મળી હતી.
જોગાનુજોગ બંનેની ઉંમર પપ થી ૬૦ વર્ષ વચ્ચે હતી. ર્વોડ નં. ૧-૨માં સારવાર લઇ રહેલા બંને દર્દીઓ પૈકી મહારાણી કન્યા વિદ્યાલય પાસેથી મળેલા અજાણી વ્યક્તિની હાલત ગંભીર જણાતાં તેને ર્વોડ નં. ૨૦ ઉપરના એમઆઇસીયુ ર્વોડમાં ખસેડાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, તબીબોની નિષ્કાળજીના પગલે આ દર્દીની સાથે જ સારવાર લેતા વાડી પોલીસ મથક વિસ્તારના અન્ય અજાણ્યા દર્દીની ફાઇલ તેની સાથે મોકલી અપાઇ હતી.
ચકાસણી વગર આ જ ફાઇલમાં સારવારની તમામ નોંધ કરવામાં આવતી. દરમિયાન ટૂંકી સારવાર બાદ શુક્રવારે બપોરે પોણા ચાર વાગ્યાના સુમારે અજાણ્યા દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીના મોતના પગલે વાડી પોલીસ મથકને જાણ કરાતાં શનિવારે સવારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ મૃતકના પોસ્ટર્મોટમના કાગળ તૈયાર કરવા પહોંચી ગયા હતા. પણ તેમનો દર્દી નહિ હોવાની જાણ તેમને જ થઇ હતી અને જેથી સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
દર્દી બદલાઇ જવાની ઘટનાથી તબીબોમાં કલાકો સુધી ગણગણાટ
વાડી અને રાવપુરા પોલીસ મથકના અજાણ્યા દર્દીઓ બદલાઇ જવાની ઘટનાને પગલે તબીબી વર્તુળોમાં સોપો પડી ગયો હતો. બપોરે જાણ થયા બાદ તબીબોમાં ગણગણાટ શરૂ થયો હતો. સમગ્ર બનાવ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સુધી પહોંચ્યો હતો. આખરે સાંજે મેડિકો લીગલ ઓફિસર અને પોલીસ ચોપડે મૃતકના નામની નોંધ પાડી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.
પોલીસ કર્મીએ ઓળખ કરતાં ભૂલ બહાર આવી
દર્દીના પોસ્ટર્મોટમ પૂર્વે ઇજાના નિશાન અંગે પોલીસ કર્મીએ ચકાસણી કરતાં અજાણ્યો દર્દી તેમના પોલીસ મથકમાંથી મળેલો નહિ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જીવિત વ્યક્તિને મૃત બતાવી દેવાની ઘટના અંગે પોલીસ કર્મીએ મેડિકો લીગલ ઓફિસરને જાણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠયા હતા. એમએલઓએ મેડિસીન વિભાગના તબીબોને સમગ્ર ઘટના અંગે માહિતગાર કરતાં આખરે કેસ પેપરના સુધારાની કાર્યવાહી કરાઇ હતી. એટલું જ નહિ આ સંદર્ભે રાવપુરા પોલીસને જાણ કરી સત્તાવાર પોલીસ ચોપડે નોંધ કરાઇ હતી. અલબત્ત, અજાણ્યા દર્દીઓ બદલાઇ જવાની ઘટના હોસ્પિટલ સંકુલમાં ભારે ચર્ચાસ્પદ રહી હતી.
જવાબદાર ડોક્ટરને ઠપકો આપીશું તમારે ચિંતા કરવાની જરૂર નથી
અજાણ્યા દર્દી બદલાઇ જવાની ભૂલ થઇ છે. આ કોઇ ઇરાદાપૂર્વક નહિ પરંતુ ભૂલથી થઇ ગયું છે. અમે હવે પૂરેપૂરી કાળજી લઇશું અને જવાબદાર રેસિડન્ટ ડોક્ટરને ઠપકો આપી ઘટતું કરીશું. અમે આ બાબતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી દીધી છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ડો. નવેદિતા સી. મહેતા, મેડિસીન વિભાગના વડા






