૧ સપ્ટેમ્બરે સીસી મહેતા ઓડિટોરિયમમાં કૃષ્ણ ગીતોનો કાર્યક્રમ
શહેરની રેમપની સંસ્થા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ગીતો અને રાસ માત્ર કાવ્યાત્મક જ નહીં પણ કલાત્મક રીતે રજુ કરાશે.
શહેરની રેમપની સંસ્થા દ્વારા જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ ૧લી સપ્ટેમ્બરે સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કૃષ્ણ-ગીતો અને રાસના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગાયક રવિન નાયકે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં કૃષ્ણને સામાન્ય પરિપેક્ષ્યમાં મૂકી કલાના માધ્યમથી રજુ કરાશે. જે અંતર્ગત કૃષ્ણના અનેકરૂપ છે. તેમના જીવનના અનેક પડાવ છે. આ તમામ પડાવને અલગ-અલગ ગીતના રૂપે રજુ કરાશે.
જેમાં બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાનવસ્થાથી માંડીને ગોકુળ છોડ્યા બાદ વૃંદાવન જઇ રાજ બનનાર કૃષ્ણ અને સુદામાના સખા કૃષ્ણનું પણ વર્ણન કરતાં ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષ્ણ ગીતોનો કાર્યક્રમ હોય અને વાંસળીના સૂર ન રેલાય એ શક્ય નથી. તેથી મુંબઇના જાણીતા વાંસળી વાદક નિનાદ મુલાવકર જોડાશે.