- બ્રિજની ડિઝાઇન ખામીવાળી નથી તેમ કહેતાં જ મામલો ઉગ્ર બન્યો - કોંગી અગ્રણી નરેન્દ્ર જયસ્વાલે કાર્યપાલક ઈજનેર પી. એમ. પટેલના મોંઢા પર કાળી સહી ફેંકી -પીએમ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા સેવાસદન દ્વારા બનાવાયેલા વિવાદાસ્પદ લાલબાગ ઓવરબ્રિજ મુદ્દે કોંગ્રેસ પક્ષે શરૂ કરેલા આંદોલન અંતર્ગત આજે નૂર્મ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું મોંઢું કાળું કરતાં સેવાસદનમાં સોપો પડી ગયો હતો. આ ઘટનાના વિરોધમાં સેવાસદનની મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ વીજળિક હડતાળ પાડી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બીજી તરફ પી.એમ.પટેલે મોંઢું કાળું કરનારા કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા સેવાસદન દ્વારા રૂ.પ૧.૩પ કરોડના ખર્ચે લાલબાગ રેલવે ક્રોસિંગ ઉપર બનાવાયેલા ફ્લાય ઓવરબ્રિજનું તા.૩૦ મી જાન્યુઆરીએ લોકાર્પણ થયું છે. આ બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અને તેમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસે તા.૨પ જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમો સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત આમરણાંત ઉપવાસ, દેખાવો-ધરણાં, બ્રિજ સ્થળે પૂજાના કાર્યક્રમો યોજાયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાની હેઠળ આજે નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલને લાલબાગ ઓવરબ્રિજની ખામીયુક્ત ડિઝાઇનના મુદ્દે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસ દ્વારા મોરચો લઇ જઇ સાંજે ૪.૪પ કલાકે નૂર્મ યોજનાની રાવપુરા શાળા નં.૧ માં આવેલી કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં લાલબાગ ઓવરબ્રિજ ખામીયુક્ત ડિઝાઇનવાળો બનાવી નાગરિકોના કરોડો રૂપિયાની વેરાની રકમની બરબાદી કરાઇ હોવાનો આક્ષેપ કરાયો હતો. આવેદનપત્ર અપાયા બાદ કાર્યપાલક ઇજનેરે લાલબાગ બ્રિજની ડિઝાઇન ખામીવાળી નથી તેમ જણાવી પ્રત્યુત્તર આપ્યો હતો.
કાર્યપાલક ઇજનેર પટેલ પોતાનો જવાબ પૂરો કરે તે પહેલાં જ કોંગ્રેસના મોરચામાં સામેલ શહેર મહામંત્રી નરેન્દ્ર જયસ્વાલે બ્રિજના પ્રતાપનગર તરફના છેડાના મુદ્દે ઉગ્ર બની પટેલને રજૂઆત કરી હતી. પટેલે જયસ્વાલની રજૂઆતનો જવાબ આપ્યો હતો પરંતુ જવાબથી સંતુષ્ઠ નહીં થયેલા નરેન્દ્ર જયસ્વાલે ઉશ્કેરાઇને પટેલના મોંઢા ઉપર કાળી સહીં ફેંકી મોંઢું કાળું કરી નૂર્મ યોજનાની કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં ભાગી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં વડોદરા સેવાસદનની મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામી સલામતીની માગણી કરી હતી. બીજી તરફ પી.એમ.પટેલે રાવપુરા પોલીસ મથકે જઇ તેમનું મોંઢું કાળું કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સેવાસદનના અધિકારીઓ-કર્મચારીઓએ વીજળિક હડતાળ પાડી દીધી
નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું મોંઢું કાળું કરવાના બનાવ બાદ સેવાસદનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા સેવાસદનના સ્ટાફે આ બનાવના વિરોધમાં વીજળિક હડતાળ પાડતાં ખંડેરાવ માર્કેટની મુખ્ય કચેરી ખાતેના વિવિધ વિભાગોમાં થતી કામગીરી ઠપ્પ થઇ જવા પામી હતી. બીજી તરફ અધિકારીઓ અને કર્મચારીઓનાં વિવિધ સંગઠનોએ ડેપ્યુટી મ્યુ.કમિશનર સી.એમ.મકવાણાને મળી કાર્યપાલક ઇજનેર સાથે થયેલા કૃત્યને વખોડી કાઢી કસૂરવારો સામે પગલાં લેવાની માગણી કરી હતી. એટલું જ નહીં આ બનાવના વિરોધમાં સોમવારથી હડતાળનું એલાન આપ્યું હતું. હડતાળમાંથી આવશ્યક સેવાઓને મુક્ત રાખી અન્ય કામગીરીના બહિષ્કાર ઉપરાંત મુખ્ય કચેરી ખાતે રામધૂન સાથે ધરણાં યોજવાની જાહેરાત કરી હતી.
પોલીસની હાજરીમાં બનેલા બનાવથી ભારે રોષ
કોંગ્રેસ દ્વારા આજે લાલબાગ બ્રિજના મુદ્દે નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું કાળી સહીં ફેંકી મોંઢું કાળું કરવાના બનાવ ટાંણે હાજર પોલીસ જવાન પર પણ સહી પડી હતી. ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહીં આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોવાથી પોલીસની ભૂમિકાને લઇને પણ સેવાસદનના અધિકારીઓમાં રોષ વ્યાપ્યો હતો.
કોંગી આગેવાન નરેન્દ્ર જયસ્વાલ સામે પોલીસ ફરિયાદ
નૂર્મ યોજનાની કચેરીમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું મોંઢું કાળું કરાયું હતું. આ ઘટના બાદ પી.એમ.પટેલે રાવપુરા પોલીસ મથક ખાતે કોંગી આગેવાન નરેન્દ્ર જયસ્વાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે કાર્યવાહી શરૂ કરી છે.
સહીં ફેંકવાની ઘટના પૂર્વ આયોજિત હોવાની ચર્ચા
નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલ ઉપર કાળી સહીં ફેંકી મોંઢું કાળું કરવાની ઘટના પૂર્વ આયોજિત હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. આ ઘટનાને લઇ સેવાસદનના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.