- વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ના સંદર્ભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે
- કૃષિ અને બાયોટેક્નોલોજી ક્ષેત્રે ચર્ચાવિચારણા કરશે
- વડોદરામાં ઉદ્યોગોના વિકાસની અનેક તકો
આતંકવાદના મામલે ઇઝરાયેલ પાકિસ્તાન સાથે નહીં પણ ભારતની સાથે જ છે તેમ ઇઝરાયેલી એમ્બેસેડરે આજે વડોદરા ખાતે જણાવ્યું હતું.
લંડનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઇકોનોમિક્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિષય સાથે બીએસસી અને હિબ્રુ યુનિવિસઁટીમાંથી એમએનું ઉચ્ચ શિક્ષણ મેળવનાર માર્ક સોફર હાલમાં ભારત ખાતે ઇઝરાયેલના એલચી તરીકે ફરજ બજાવે છે. ૧૯૮૧થી ઇઝરાયેલા વિદેશ મંત્રાલયથી કારકિર્દીનો પ્રારંભ કરનાર માર્કે પેરુ, નોર્વે અને ન્યૂયોર્કમાં ફરજ બજાવી ચૂક્યા છે.
ફ્રેન્ડસ ઓફ ઇઝરાયેલના ઉપક્રમે આજે ટૂંકા સમય માટે માર્ક સોફર વડોદરાના મહેમાન બન્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ અન્વયે રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ અને કૃષિમંત્રી દિલીપ સંઘાણીની મુલાકાત લઇ ચૂકેલા ઇઝરાયેલના એમ્બેસેડર હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લેનાર છે.
વડોદરા ખાતેના ટૂંકા રોકાણ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં માર્ક સોફરે જણાવ્યું હતું કે, વડોદરા તેઓ પહેલી વખત આવ્યા છે તેમને ગમ્યું છે. વડોદરા આસપાસ ઉદ્યોગોના વિકાસની અનેક તકો રહેલી છે. જેથી ભવિષ્યમાં ઇઝરાયલી કંપની જો ગુજરાતમાં સ્થપાય તો તે વડોદરા નજીક સ્થપાય તો સારું તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
ટપક સિંચાઇ યોજનાનું કામ થાય તો દેશના ૭૦૦ મિલિયન ખેડૂતોને લાભ થાય તેમ છે તેવો દાવો કરી તેમણે એગ્રિકલ્ચર અને બાયોટેક્નોલોજી સહિત હાઇટેક્નોલોજીના ક્ષેત્ર ઉપર ભાર મૂકવાનો અંગૂલીનિર્દેશ આપ્યો હતો. તેમણે, ઇઝરાયેલના ભારત સાથે અને ખાસ કરીને ગુજરાત સાથે સંબંધો વધુ મજબૂત બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનના તાબા હેઠળના આઝાદ કાશ્મીરના મામલે ભારત અને પાકિસ્તાન સમજી વિચારીને નિર્ણય કરશે પણ આતંકવાદી સંગઠનો સામેની લડતમાં ઇઝરાયેલ કાયમ ભારતની સાથે જ રહેશે, નહીં કે પાકિસ્તાન સાથે તેમ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.જોકે, ઇઝરાયેલના ચીન સાથે પણ આંતરરાષ્ટ્રીય સંબંધો ઉષ્માભર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.