વિવાદાસ્પદ લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે કોંગ્રેસ દ્વારા શુક્રવારે નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું મોં કાળું કરવાના બનેલા બનાવના વિરોધમાં સેવાસદનના અધિકારીઓ-કર્મચારીઓએ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળમાંથી આવશ્યક સેવાઓને બાકાત રખાઇ હોઇ મુખ્ય કચેરી તેમજ તમામ વોર્ડ ઓફિસની વહીવટી કામગીરી ખોરવાઇ જશે.
આજે સેવાસદનમાં અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારોનાં વિવિધ યુનિયનોની બેઠક મળી હતી. આ બેઠકમાં નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેરનું મોં કાળું કરવાના બનાવને વખોડી કાઢી આ બનાવના વિરોધમાં આંદોલન શરૂ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. એટલું જ નહીં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને મોં કાળું કરવાના બનાવમાં સંડોવાયેલી વ્યક્તિ મ્યુ.કમિશનર સમક્ષ માફી માગે તેવી માગણી સાથે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી.
સોમવારથી શરૂ થનાર હડતાળમાંથી પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની આવશ્યક સેવાઓ બાકાત રાખવાનો નિર્ણય લઇ શહેરીજનોને હાલાકી ન પડે તેની કાળજી રાખવામાં આવી છે. હડતાળ અંતર્ગત સોમવારે સવારે ૧૦ વાગ્યાથી સેવાસદનના પ્રાંગણમાં કાળી પટ્ટી-કાળાં કપડાં ધારણ કરીને ધરણાં શરૂ કરાશે. આ હડતાળમાં સેવાસદનની ખંડેરાવ માર્કેટ ખાતેની મુખ્ય કચેરી તેમજ વિવિધ વોર્ડ કચેરીમાં ફરજ બજાવતા અંદાજે ૧૨ હજારથી વધારે અધિકારીઓ-કર્મચારીઓ સામેલ થશે.
સેવાસદનના તમામ અધિકારીઓ-કર્મચારીઓ હડતાળમાં જોડાવાના હોઇ સેવાસદનની વહીવટી કામગીરી ખોરવાઇ જશે. જેને લઇ શાસક પક્ષના હોદ્દેદારોમાં ચિંતા વ્યાપી છે. હડતાળમાં સેવાસદનનાં કુલ-૯ યુનિયનોએ જોડાવાની જાહેરાત
કરી છે.
હડતાળ અંતર્ગત તબક્કાવાર કાર્યક્રમો યોજાશે
સોમવારથી શરૂ થનારી સેવાસદનના અધિકારીઓ-કર્મચારીઓની હડતાળ અંતર્ગત તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઇ છે. સોમવારે રામધૂન સાથે ધરણાં યોજવામાં આવશે. આ ઉપરાંત સૂત્રોચ્ચાર અને રેલી જેવા કાર્યક્રમો પણ યોજાશે.
કોંગ્રેસના મોવડી મંડળને રજુઆત કરાશે
કોંગ્રેસ દ્વારા નૂર્મ યોજનાના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું મોં કાળું કરવાના બનાવ સંદર્ભે સેવાસદનના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. હડતાળ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો પૈકી અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કોંગ્રેસ પક્ષના પ્રદેશ મોવડીઓ સમક્ષ પણ રજુઆત કરાશે.