વડોદરાની બરોડા ડેરીના ઉપપ્રમુખને અપાતી કાર, ઓફિસ અને ફોનની સુવિધાઓ બંધ કરવાના રાજ્ય રજિસ્ટ્રારના આદેશ સામે ડેરી દ્વારા હાઇકોર્ટમાં કરાયેલા દાવાને હાઇકોર્ટે નામંજુર કર્યો છે. આ દાવો ફગાવી હાઇકોર્ટે ઉપપ્રમુખને અપાતી સુવિધાઓ પૈકી મોબાઇલની સુવિધા ચાલુ રાખી કાર અને ઓફિસની સુવિધા બંધ કરવાનો હુકમ કર્યો છે.
કોંગ્રેસ શાસિત બરોડા ડેરીના ઉપપ્રમુખને સહકારી કાયદાની વિરુદ્ધ જઇ ડેરી તરફથી કાર, એ.સી.ઓફિસ અને મોબાઇલ ફોનની સુવિધાઓ આપવામાં આવતી હતી. જેની સામે ડેરીના વિપક્ષી ડિરેક્ટર જી.બી.સોલંકી દ્વારા રાજ્ય સહકારી રજિસ્ટ્રાર સમક્ષ ઉપપ્રમુખને અપાતી સુવિધાઓ ગેરકાયદે હોવાની રજુઆત પેટા નિયમ ૪૦.૧ના નિર્દેશ સાથે કરાઇ હતી.
આ રજુઆતને આધારે રાજ્ય રજિસ્ટ્રારે તા.૧૩ જુને કલમ-૧૬૦(૧) હેઠળ બરોડા ડેરીના ચેરમેન અને એમ.ડી.ને પત્ર લખી ઉપપ્રમુખને ગેરકાયદે અપાતી સુવિધાઓ તત્કાળ બંધ કરવાનો આદેશ કર્યો હતો.
રાજ્ય રજિસ્ટ્રારના આદેશ સામે બરોડા ડેરીના ચેરમેન દ્વારા હાઇકોર્ટમાં દાવો દાખલ કરી ઉપપ્રમુખને અપાતી સુવિધાઓ ચાલુ રાખવા માટેની માગણી કરાઇ હતી. આ દાવાના સંદર્ભમાં હાઇકોર્ટ દ્વારા ડેરીના સત્તાવાળાઓને ઉપપ્રમુખ પાછળ થતા ખર્ચની વિગત આપવા જણાવી તા.૩૦ ઓગસ્ટની મુદત અપાઇ હતી.
સોમવારની મુદતમાં હાઇકોર્ટે બરોડા ડેરીના ચેરમેન દ્વારા ઉપપ્રમુખને અપાતી સુવિધાઓ ચાલુ રાખવા માટે દાખલ કરાયેલા દાવાને નામંજુર કરાયો હતો. એટલું જ નહીં, ઉપપ્રમુખને અપાતી સુવિધાઓ પૈકી કાર અને ઓફિસની સુવિધા બંધ કરવાનો હુકમ કર્યો હતો.
જ્યારે મોબાઇલ ફોનની સુવિધા સરકારી નિયમો મુજબ ચાલુ રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત આજ સુધી ગાડી-ઓફિસની સુવિધા પાછળ થયેલો ખર્ચ પણ ઉપપ્રમુખ પાસેથી વસૂલવા આદેશમાં જણાવ્યું છે.