વડોદરા શહેર-જિલ્લામાં દિવસ દરમિયાન એકથી બે ઈંચ વરસાદ વરસાવી મેઘરાજાએ શ્રાવણ મહિનાનું સમાપન કર્યા બાદ શહેરમાં રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં.
રાત્રિના સમયે શરૂ થયેલા વરસાદને કારણે ફરી એક વખત શહેરીજનોને મેઘરાજાની જોરદાર ફટકાબાજી માણવા મળી હતી. દરમિયાન હવામાન ખાતા તરફથી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતાં જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થઇ ગયું છે. પાદરા તાલુકાના વડુ ગામે ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આજે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં કાળાડિબાંગ વાદળો સાથેના માહોલમાં વરસાદનાં હળવાં ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સમયાંતરે પડતા વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. ખાસ કરીને રાહદારીઓ-વાહનચાલકો પરેશાન થયાં હતાં.
જોકે દિવસ દરમિયાન શ્રાવણી સરવરિયાં બાદ રાત્રે મેઘરાજાએ અસલ અષાઢી અંદાજ બતાવ્યો હતો. તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મોટાં ફોરાં સ્વરૂપે તોફાની વરસાદ વરસવો શરૂ થયો હતો. જેને કારણે શહેરના મુખ્ય માર્ગો હંમેશની જેમ સરોવર બન્યા હતા.
માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ભરાતાં વાહનચાલકોની હાલત કફોડી બની હતી. જ્યારે અનેક સ્થળોએ બાઇકચાલકો સ્લિપ થયા હોવાના બનાવો બન્યા હતા. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળી વેરણ બનતાં અંધારપટ છવાયો હતો. વીજળીના તેજ લીસોટા અને ભયંકર મેઘ ગર્જના સાથે વરસી રહેલા વરસાદથી શહેરીજનો ફફડી ઉઠ્યા હતા.
ભારે વરસાદની આગાહી વચ્ચે શરૂ થયેલા વરસાદના આક્રમણને પગલે વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો હતો. પાદરા તાલુકાના વડુ ગામે તળાવમાં પડેલી ભેંસને બહાર કાઢવા ગયેલા રમેશભાઇ મોતીભાઇ મકવાણા(ઉં.વ.૩૯)નું ડૂબી જવાથી મરણ થયું હતું.
આજવા જળાશયમાં કેટલી સપાટી રાખવી તેનો આજે રિપોર્ટ કરાશે : આજવાની સપાટી ૨૧૨.૧૬ ફૂટે
શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા મુખ્ય સ્ત્રોત સમા આજવા જળાશયની સપાટી આજે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ૨૧૨.૧૬ ફુટની સપાટીએ પહોંચી હતી.
સેવાસસદનના સિટી એન્જિનિયર વી એન ટેલર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શૈલેશ મિસ્ત્રીની સાથોસાથ રાજ્ય સરકારના સિંચાઇ વિભાગના અધિકારીઓએ સ્થળ સ્થિતિની સમીક્ષા કરી હતી.
આવતી કાલે રાજ્ય સરકારની આ ટીમ આજવા જળાશયને કઇ સપાટીએ લેવલ રાખવું તેનો લેખિતમાં રિપોર્ટ સેવાસદનને સુપરત કરશે.