શ્રાવણ મહિનામાં જ ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હોઇ હવે ભાદરવો મહિનો પણ જો ભરપૂર જાય તો ચિંતાનો વિષય
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં મેઘરાજાનો આક્રમક મિજાજ જોવા મળતો નથી. પરંતુ આ વર્ષે વડોદરા શહેર-જિલ્લામાં શ્રાવણમાં ભરપૂર વરસાદ થવા ઉપરાંત ટ્વેન્ટી-ટ્વેન્ટીની જેમ બે-ત્રણ કલાકમાં ચાર-પાંચ ઇંચ વરસાદની ઇનિંગ એક થી વધુ વખત જોવા મળી હતી. શહેરમાં શ્રાવણ મહિનામાં જ ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હોઇ હવે ભાદરવા મહિનામાં શું થાય છે તે જોવું રહ્યું !!
શ્રાવણમાં સરવરિયાં એવું આપણે બોલતા હોઇએ છીએ, અને બને છે પણ એવું કે, શ્રાવણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ બહુ ઓછો થતો હોય છે. શ્રાવણમાં મેઘરાજા ધીમીધારે અભિષેક કરતા હોઇ લોકોને શ્રાવણના સરવરિયાં હેરાન પરેશાન નથી કરતાં. પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાએ જાણે શ્રાવણના વરસાદની પેટર્ન બદલી નાંખી હોય તેવું અનુભવાયું હતું.
વડોદરા શહેર-જિલ્લામાં આ વર્ષે શ્રાવણના સરવરિયાં ભૂલી મેઘરાજાએ રીતસર ધડબડાટી બોલાવી દેતી ઇનિંગ એકથી વધુ વખત રમીને સરોવરનાં દ્રશ્યો સર્જી દીધાં હતાં.
પ્રાપ્તઆંકડા મુજબ શ્રાવણ મહિનો શરૂ થયો તે દિવસે વડોદરા શહેરનો મોસમનો કુલ-વરસાદ ૮૮૮ મિ.મી. નોંધાયો હતો. પરંતુ શ્રાવણ માસ દરમિયાન સતત જારી રહેલા વરસાદને કારણે આજે શ્રાવણના છેલ્લા દિવસે શહેરનો મોસમનો કુલ-વરસાદ ૧૨૫૦ મિ.મી. (૫૦ ઇંચ) ના આંકે પહોંચ્યો છે.
આમ, શ્રાવણ માસ દરમિયાન વડોદરા શહેરમાં ૩૫૦ મિ.મી.(૧૪ ઇંચ) વરસાદ ખાબકતાં શહેરના સરેરાશ (૧૦૫૦ મિ.મી.)વરસાદની જરૂરિયાત સંતોષાઇ ગઇ છે. હવે, ભાદરવો મહિનો કાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે ‘‘ ભાદરવો ભરપૂર....’’ તે ઉક્તિ સાચી ઠરશે કે કેમ તે અંગે તહેરતરેહની ચર્ચાઓ શરૂ થઇ છે.
વાવેતર શહેર જિલ્લલામાં લગભગ પુરુ થઇ ચુકર્યું છે ખેતીલાયક વરસાદ પડી ચુક્યો છે. અને હજુ પણ વરસાદની નોટઆઉટ ઇિનંગ ચાલુ છે. સત્તાવાર ચોમાસાને પુરુ થવા આરે હજુ ઓછામાં ઓછી એક મહિનાની વાર છે ત્યારે હવે મેઘરાજા ખમૈયા નહી કરે તો ખેતી અને રોજબરોજની જિંદગીમાં પણ વરસાદની અસરો હિતાવહ નહી હોય.
શહેર-જિલ્લામાં શ્રાવણ દરમિયાન ૨૬૩૯ મિ.મી. વરસાદ ખાબક્યો
વડોદરા શહેર-જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારે કુલ-૬૯૩૨ મિ.મી. વરસાદ વરસ્યો હતો. પરંતુ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાની અવિરત કૃપા રહેતાં આજે શ્રાવણ પૂરો થવાના દિવસે સાંજ સુધીમાં કુલ-૯૫૭૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આમ, શ્રાવણ દરમિયાન શહેર-જિલ્લામાં ૨૬૩૯ મિ.મી. વરસાદ ખાબક્યો હતો.