માંજલપુર વિસ્તારમાં આકાર પામી રહેલા આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સલ્ટિંગ આર્કિટેક્ટની પ૦ ટકા ફી કાપી લેવાનો ઠરાવ સેવાસદનની સ્થાયી સમિતિએ કર્યો છે.
માંજલપુરમાં કુલ રૂ.૩૦.૩૭ કરોડના ખર્ચે આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાઇ રહ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કન્સલ્ટિંગ આર્કિટેક્ટ નૂતન સ્થાપત્ય દ્વારા બનાવાયેલી ડિઝાઇનના આધારે તૈયાર થઇ રહ્યું છે. કોમ્પ્લેક્સની કામગીરી તા.૧-પ-૨૦૧૧ ના પૂરી કરવાની હતી. પરંતુ આર્કિટેક્ટ દ્વારા સૂચિત ડિઝાઇનમાં ફેરફાર કરી પાછળથી નવા ફેરફાર સાથેની તેમજ વધારાની કામગીરી કરાવવાની ભલામણ કરાઇ હતી. જેનાથી કોમ્પ્લેક્સ બનાવવામાં ખર્ચમાં રૂ.પ.પ૯ કરોડનો વધારો થયો હતો.
દરમિયાન મ્યુ.કમિશનરે સેવાસદનની સ્થાયી સમિતિ સમક્ષ આર્કિટેક્ટ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખોટી ડિઝાઇન બનાવવા સંદર્ભે અને ખર્ચનો અંદાજ ખોટો પડવાના કિસ્સામાં ૧૦ ટકા ફી કાપી લેવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી. આ દરખાસ્ત ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ સ્થાયી સમિતિએ ૧૦ ટકાને બદલે પ૦ ટકા ફી કાપી લેવાનો ઠરાવ કર્યો હતો.