શહેરના રેસકોર્સ વિસ્તારમાંથી બોલેરોની ચોરી થઇ હતી : પોલીસની મદદ લઇ તપાસકરતાં બંને શખ્સ સિસ્ટમ તોડી નાખી કાર લઇ ફરાર
રેસકોર્સ જેસલ એપાર્ટમેન્ટ સ્થિત સિક્યુરિટી કંપનીના પાર્કિંગમાંથી ચોરી થયેલી બોલેરો કાર જીપીઆરએસ સિસ્ટમથી સજ્જ હોવાથી રાજસ્થાનના બાડમેરમાં લોકેશન મળ્યું હતું.જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ વાહનચોરોએ જીપીઆરએસ સિસ્ટમ તોડી ફરાર થઇ ગયા હતાં.
બોડેલી જાંબુઘોડાના પ્રતાપસિંહ મોતીસિંહ બારિયા રેસકોર્સ જેસલ એપાર્ટમેન્ટ સ્થિત મેક્સ વિઝિલન્સ પ્રા.લિ. કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવે છે. કંપની વડોદરા શહેર-જિલ્લા સહિતના સ્થળે મોબાઇલ ટાવરની સિક્યુરિટી તેમજ એટીએમમાં કેશ મૂકવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ વાહનોના મોનિટરીંગ માટે બોલેરો કાર રાખવામાં આવી છે.
ગત ૨૪મીએ સવારે તેમનો ડ્રાઇવર આવતાં પાર્કિંગમાંથી બોલેરો કારની ચોરી થઇ ગઇ હતી. કારમાં જીપીઆરએસ સિસ્ટમ હોવાથી કંપનીના સત્તાધીશોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન કારનું લોકેશન રાજસ્થાનના બાડમેર સ્થિત બાકરપુરા ગામે મળી આવતાં કંપનીના કર્મચારીઓ સ્થાનિક પોલીસની મદદ લઇ પહોંચી ગયા હતાં.
પોલીસની પૂછતાછમાં કાર સવારામ હમીરામ રબારી અને નરેન્દ્રસિંહ અંગારસિંહ રાજપૂત લઇને આવ્યા હતાં. તેઓ કારને ધોઇને લઇ ગયા હોવાનું સવારામની માતાએ જણાવ્યું હતું. બંને વાહનચોરોએ પોલીસ પહોંચે તે પહેલા જ જીપીઆરએસ સિસ્ટમ તોડી નાખતાં છેલ્લું લોકેશન પોલીસને મળી શકયું ન હતું. કંપનીના ટીમ લીડરે કાર ચોરીની ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે રાજસ્થાનના બંને વાહનચોરો સામે ગુનો નોંધી પીએસઆઇ ખટાણાએ તેમની શોધખોળ આદરી છે.