-સેનેટમાં બે જ સભ્યો રિપીટ અન્ય ૧૩માં શિક્ષક, તબીબ, વકીલ, બિઝનેસમેન, સીએ, આચાર્યનો સમાવેશ
એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૯મી ફેબ્રુઆરીના રોજ સિન્ડિકેટની યોજાનાર ચૂંટણી પૂર્વે જ ઉચ્ચ શિક્ષણ વિભાગે સરકાર નિયુક્ત ૧પ સેનેટ સભ્યો તથા ૪ સિન્ડિકેટ સભ્યોની જાહેરાત કરી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયેલાં નામોમાં એબીવીપી જૂથનો સફાયો થતાં જ યુનિ.ના રાજકારણમાં બહુમતી જૂથનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી ઉઠવા પામી છે.
યુનિ.નાં સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ૨૯મી ફેબ્રુઆરીના રોજ યુનિ.માં સિન્ડિકેટની યોજાનાર ચૂંટણી પૂર્વે જ સરકાર નિયુક્ત ચાર સિન્ડિકેટ સભ્યોનાં નામો જાહેર કર્યાં છે. સરકાર નિયુક્ત ચાર સિન્ડિકેટ સભ્યોમાં ટેકનોલોજી ફેકલ્ટીના આસિ.પ્રો. ગોપાલ ભાટ્ટી, વર્તમાન સિન્ડિકેટ સભ્ય જિગર ઇનામદાર, એડવોકેટ તુષાર વ્યાસ, સોશિયલ વર્કર શ્રુતિ શ્રોફનો સમાવેશ થાય છે. સિન્ડિકેટ સભ્યોની સાથે જ ઉચ્ચ શિક્ષણ વિભાગે ૧પ સેનેટ સભ્યોનાં નામોની પણ જાહેરાત કરી છે. જેમાં ગત ટર્મમાં પણ સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે ચૂંટાયેલા આર્ટ્સ ફેકલ્ટીના આસિ.પ્રોફે. ડૉ. અમિત ધોળકિયા તથા ટેકનોલોજી ફેકલ્ટીના આસિ.પ્રોફેસર ડૉ. બિશ્વજીત ચક્રવતીની પણ નવી સેનેટમાં પણ સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરાઇ છે. આ બે સભ્યો સિવાય બાકીના ૧૩ સેનેટ સભ્યો તરીકે નવા જ ઉમેદવારોને પસંદ કર્યા છે. જેમાં શિક્ષક, તબીબ, વકીલ, બિઝનેસમેન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આચાર્યને સેનેટ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
સરકાર નિયુક્ત પસંદ થયેલા ૧૩ સેનેટ સભ્યોમાં ડેન્ટલ સર્જન ડૉ.ચંદ્રહાસ રાવલ, પર્ફોમિંગ આર્ટ્સના આસિ.પ્રોફેસર રાજેશ કેલકર, આર્ટ્સ ફેકલ્ટીના પોલિટિકલ સાયન્સ વિભાગના હેડ પ્રો. પી.એમ.પટેલ, સરદાર વિનય મંદિર વિદ્યાલયના આચાર્ય ડૉ. કમલ શાહ, એડવોકેટ ડૉ. નીલેશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિલીન મહેતા, સીએ અને ઉદ્યોગપતિ અક્ષય પરનામી, ઉદ્યોગપતિ સંદીપ શાહ, ટેકનોક્રેટ અભય કોટિયાલા, જનરલ સર્જન ડૉ. શીતલ મિસ્ત્રી, સીએ સત્યકાંત શાસ્ત્રી, સોશિયલ વર્કર મોનિકા યાજ્ઞિક અને બિઝનેસમેન અશ્વિન ચોકસીનો સમાવેશ થાય છે.