- પ્રોજેક્ટ એન્જિનિયર સહિત ૬૯૫ જગ્યાઓનું મહેકમ છે
- ત્રણ વર્ષથી બેલેન્સશીટ પણ પ્રસિદ્ધ નથી કરી
વડોદરા સેવાસદનના ભાજપના શાસકો દ્વારા એપ્રિલ મહિનાથી હયાત ગેસ નેટવર્કના ૧૦૦ મીટર વિસ્તારમાં નવાં ગેસ જોડાણો આપવાની મોટા ઉપાડે જાહેરાત કરાઇ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ગેસ વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ નથી. સેવાસદનના ગેસ વિભાગમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિત ૬૯૫ જગ્યાઓના મંજૂર મહેકમ સામે ૪૩૩ જેટલી અધધધ... જગ્યાઓ ખાલી છે. પરિણામે ગેસ વિભાગની કામગીરીને લઇને અનેક ફરિયાદો ઉઠી રહી છે.
વડોદરા સેવાસદનના ગેસ વિભાગમાં કુલ-૭૮ હજાર જેટલાં કનેકશન નોંધાયેલાં છે. ચાલુ વર્ષે માર્ચ મહિનાના અંત સુધીમાં નવાં ૬૮૦૦ જોડાણો આપ્યા બાદ એપ્રિલથી ગેસ પાઇપ લાઇનના હયાત નેટવર્ક વિસ્તારમાં નવાં ૨૦ હજાર જેટલાં જોડાણો આપવા અરજીઓ સ્વીકારવાનો પ્રારંભ થશે. પરંતુ ગેસ વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ ન હોવાથી નવાં ગેસ જોડાણો આપવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાશે ખરો? એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડ્યો છે.
તાજેતરમાં સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માહિતી અધિકાર હેઠળ ગેસ વિભાગની માંગેલી માહિતીમાં ગેસ વિભાગ ઓછા સ્ટાફથી જાણે ઓક્સિજન પર ચાલતો હોવાની વિગતોનો પર્દાફાશ થયો છે. ગેસ વિભાગના સ્ટાફનું મજુર મહેકમ ૬૯૫ નું છે. જેની સામે માત્ર ૨૬૨ જગ્યાઓ ભરાયેલી અને ૪૩૩ જગ્યાઓ ખાલી છે. અધધધ જગ્યાઓ ખાલી હોવાને કારણે ગેસ વિભાગની કામગીરીને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેસ વિભાગે આપેલી માહિતી મુજબ સિનિયર એડિ.આસિ.એન્જિનિયરની તમામ ૯ જગ્યાઓ,એડિ.આસિ.એન્જિનિયરની ૫૦ પૈકી ૨૬ જગ્યાઓ, મિકેનિકની ૬૬ પૈકી ૪૩ જગ્યાઓ, હેલ્પર, લેબરની ૨૨૮ પૈકી ૧૦૯ જગ્યાઓ, વોચમેનની તમામ ૨૫ જગ્યાઓ, સુપરવાઇઝરની ૧૫૧ પૈકી ૯૫ જગ્યાઓ, મિકેનિકની ૬૬ પૈકી ૪૩ જગ્યાઓ ખાલી છે. બીજી તરફ ગેસ વિભાગે ૨૦૦૮-૦૯, ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ ની બેલેન્સ શીટ પ્રસિદ્ધ નહીં કરી હોવાનું પણ સ્વીકાર્યું છે.
આ કારણોથી સેવાસદનના ગેસ વિભાગનો વહીવટ ખાડે ગયો છે અને લોકોને હાલાકી પડી રહી છે.