Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Freedom 60 Years After Water Slavery

આઝાદીનાં ૬૦ વર્ષ પછી પણ પાણીની ગુલામી

Krunal Pethe, Vadodara | May 30, 2012, 03:59AM IST
આઝાદીનાં ૬૦ વર્ષ પછી પણ પાણીની ગુલામી
રાજ્ય સરકાર અને પાલિકા તંત્રની કુંભકર્ણ નિદ્રાના કારણે નિમેટા નજીક આવેલા પારસીપુરા અને મણિનગર ગામના લોકો માટે ‘તળાવ કાંઠે તરસ્યા’ રહેવા જેવો ઘાટ

૭૦૦ રહીશોની પાણી માટે એક કિલોમીટર પગપાળા જવાની મજબૂરી

રોજિંદી જરૂરિયાત માટેનું પાણી સેવાસદનના નિમેટા પ્લાન્ટમાંથી મેળવતાં રહીશો

પાણીએ માનવીના જીવનની પ્રાથમિક જરૂરીયાત છે. દેશનો પ્રત્યેક નાગરીક આ સુવિધા સરળતાથી મેળવી શકે તે દિશામાં આયોજન કરવાની સરકારની પ્રથમ જવાબદારી છે. પરંતું એસી ચેમ્બરોમાં બેસી ગામડાના ગરીબ પરીવારની જાણે ચિંતામાં મગ્ન હોય તેવા દેખાડા કરતા આજના કહેવાતા નેતાઓ કે સરકારી પ્રતિનિધિઓને ગરીબ નાગરીકની સુવિધા કરતા ખિસ્સા ભરવામાં વધુ રસ હોય છે.

દેશને આઝાદ થયે ૬૦ વર્ષ કરતા વધુ સમય વિત્યો હશે પરંતું આ આઝાદ ભારત દેશમાં આજે પણ અસંખ્ય પરિવાર પાણી માટે વલખા મારતો હોય છે. આઝાદ ભારતમાં પાણી માટેની આવી ગુલામીના દ્રશ્યો અન્ય સ્થળે નહીં પરંતું શહેરથી માંડ પાંચ કિલોમીટર દૂર આજવા જવાના રસ્તા પર આવેલ પારસી નગર અને મણીનગર ગામમાં જોવા મળે છે.

વાઘોડિયા તાલુકાના પારસીપુરા અને મણિનગર ગામના ૭૦૦ જેટલા રહીશો વર્ષોથી પાણી વિના ટળવળી રહ્યાં છે. આ ગામના લોકોને પીવાના ચોખ્ખા પાણી માટે એક કિલોમીટર સુધી લાંબે થવું પડે છે. એક તરફ તંત્રની મહેરબાનીથી નજીકમાં જ આવેલા પુનિતનગરમાં પાણીની રેલમ્છેલ થઈ રહી છે. પરંતું નજીકમાં આવેલા આ બે ગામના રહીશોએ આજે પણ સેવાસદનના નિમેટા સ્થિત ફલ્ટિર પ્લાન્ટમાં જઈ પાણી લાવવું પડે છે.

સેવાસદને હાથ ઊંચા કર્યા

સેવાસદનની પાણીની પાઈપ ગામમાંથી જ પસાર થાય છે. આ પાઈપ નાખવામાં આવી ત્યારે તેમને તંત્ર દ્વારા પાઈપલાઈન આપવામાં આવી , પાણી દસેક દિવસ આવ્યું અને પછી અગિયારમા દિવસે આવતું બંધ થયું. ત્યારબાદ અનેક રજુઆતો થઈ પછી ગ્રામવાસીઓ થાકી ગયા અને આજ દિન સુધી પાણી મળ્યું નથી.

શું છે પારસીપુરા ગામનો ઈતિહાસ..?

નિમેટા નજીકની પાણીની કેનાલની સમાંતરે એક કિમી દૂર નિમેટા જુથ ગ્રામપંચાયતના અંતર્ગત પારસીપુરા ગામ આવેલું છે. ૭૦ વર્ષ જુના આ ગામના બીડમાંથી સ્વ. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં હાથીખાના માટેનું ઘાસ આવતું હતું. આ બીડના એક પારસી કોન્ટ્રાક્ટર નામ પરથી પારસીપુરા ગામનું નામ પડ્યું હતું. હાલમાં આ ગામમાં ૩૦૦ જેટલા લોકોની વસ્તી છે.

હેન્ડપંપના પાણીથી ભાત લાલ અને ચા કાળી થાય

પાણીની લાઈન પારસીપુરા ગામના સંપમાં લાંબી કરેલી છે. સંપની મોટર ચાલુ કરાતા માંડ ૭ મિનિટ પાણી આવે છે. આ પાણી ખલાસ થતાં હેન્ડપંપમાંથી પાણી લેવામાં આવે છે. પરંતું આ પાણીમાં ભાત બનાવતા ભાગનો રંગ લાલાશ પડતો અને ચાનો રંગ કાળો થતાં ગ્રામજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
૧૧ વર્ષથી પાણીની વાટ જોતાં મણિનગરના રહીશો

નિમેટા પ્લાન્ટથી એક કિમી દૂર મણિનગર આવેલું છે. ફલ્ટિર પ્લાન્ટ નજીકના પુનિતનગરમાં પાણીની મોટી ટાંકીનું ઉદ્ઘાટન થયે ૧૧ વર્ષ થયા. આ ટાંકીમાં ચોવીસે કલાક પાણી આવે છે. પણ મણિનગરના લોકોને ટાંકીનું પાણી હજી નસીબ થયું નથી. જેથી ખારા પાણીના હેન્ડપંપો પર જ કમને આધાર રાખવો પડે છે.

સ્વ. સયાજીરાવે પાણીનું વચન આપ્યું હતું

શહેરની વર્તમાન જરૂરીયાતને ધ્યાનમાં રાખી સ્વ. મહારાજ સયાજીરાવ ગાયકવાડે આજવા સ્થિત સયાજી સરોવરથી શહેર સુધી પાણીની નિળકા નાંખવા માટે આસપાસના ગામની જમીનનો ઉપયોગ કર્યો હતો. આ ગામની જમીનો લેવાના બદલામાં આ તમામ ગામોને આજીવન પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતું આજના શાસકો આ વચનને પાળવામાં પણ નિષ્ફળ નિવડ્યા છે.

વિકાસની વાતોનું ‘કડવું સત્ય’

ભારતના વિકાસની વાતો વચ્ચે ગુજરાતે વધુ ઝડપથી વિકાસ કર્યો હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ શહેર નજીક આવેલ ગામોની પાણીની સમસ્યાએ આઝાદ ભારત અને વિકાસસીલ ગુજરાતની પોલ ખોલી નાંખી છે.

ચોવીસે કલાક પાણીનો વેડફાટ

મણિનગરથી માંડ અડધો કિમી દૂર આવેલા પુનિતનગરમાં દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે પાણીની ટાંકી પાણીથી ઊભરાતી હતી. અગિયાર વર્ષ પહેલા તત્કાલિન સાંસદના ભંડોળમાંથી બનેલી આ ટાંકીની હાલત હાલમાં ભયજનક છે. એક તરફ પાણીનો વેડફાટ છે. તો બીજી તરફ પાણીનો તલસાટ છે.

૧૦૦ રહીશો માટે ટાંકી, ૪૦૦ રહીશો તરસ્યા

નિમેટા ફલ્ટિર પ્લાન્ટમાંથી નિકળતી પાણીની લાઈન નિમેટા ગ્રામ પંચાયતની એક પાણીની ટાંકીને મળે છે. આ ટાંકીની એક પેટા લાઈન પુનિત નગરમાં જાય છે. માંડ ૧૦૦ લોકોની વસ્તી ધરાવતા પુનિતનગરમાં પાણીની રેલમછેલ છે. જ્યારે તેનાથી માંડ એક કિમી દૂર આવેલા ૪૦૦ની વસ્તી ધરાવતા મણિનગરમાં પાણી આવતું નથી. પુનિતનગરના રહીશોના મતે જો ટાંકીમાંથી નિમેટા પંચાયતના કોઈ ગામને પાણી લઈ જવા દેવું હોય તો અમારો વિરોધ નથી.

ફરિયાદ હશે તો આ બાબતની તપાસ કરાવાશે

પારસીપુરા અને મણિનગરની પાણી બાબતની કોઈ ફરિયાદ હજી સુધી મને મળી નથી. જો આ ફરિયાદ હશે તો તેની વહેલી તકે તપાસ કરાવીને કામગીરી શરૂ કરાવવામાં આવશે.-અમૃત મકવાણા, કાર્યપાલક ઇજનેર, પાણીપુરવઠા વિભાગ.

અમારી રજુઆત કોઈ કાને ધરતું નથી

બંને ગામોના રહીશો વર્ષોથી રજુઆત કરતાં આવ્યાં છે. પણ અમારી રજુઆત કોઈ કાને ધરતું નથી. નિમેટા ગ્રામ જુથ પંચાયતમાં ૮ ગામો છે પણ બે ગામો જોડે જ અન્યાય થાય છે.-મહેશ રાઠવા, સરપંચ, નિમેટા પંચાયત.

નહેર નજીક પણ પાણીની મહેર ક્યાં..?

બધા કહે છે કે વિકાસ થઈ રહ્યો છે. અમારા ગામની પાસે જ નહેર છે પણ અમને પાણીની મહેર નથી. અમારા દાદાઓ પણ વગર પાણીએ જીવીને મરી ગયા. હવે અમારો વારો છે.-મંજુલાબહેન પરમાર, પારસીપુરા.

બાળકોને પણ ખારાં પાણી પીવાં પડે છે

મીઠુ પાણી ગામ માટે સપનું જ છે. અમને પાણી ન આપવા માટે કાવાદાવા થઈ રહ્યાં છે. પણ ગામવાસીઓ ગરીબ હોવાથી મજબૂર છે. અમારા બાળકોને હેન્ડપંપના ખારા પાણી પીવા પડે છે.-જગદીશ વસાવા, મણિનગર.
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 2

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment