-સરકારી જથ્થો વગે કરનાર બે દુકાનદારો સામે કાર્યવાહી
-ત્રીજા દિવસે પણ શહેર અને જિલ્લાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી
બારકોર્ડ રેશનકાર્ડની નવી નીતિના વિરોઘમાં રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરેલા સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સાથે જોડાઈ જિલ્લાની ૧૧૫૦ સસ્તા અનાજની દુકાના સંચાલકોએ પણ હડતાળ પાડી હતી. પરંતું આજે મોડી સાંજે રાજ્ય સરકાર સાથે સમાઘાન થતાં વેપારીઓએ હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી હડતાળ સમેટાતાં શહેર અને જિલ્લાના ૨ લાખ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ઘારકોને મોટી રાહત થઈ હતી.
દરમ્યાન આજે હડતાળના ત્રીજા દિવસે પણ શહેર અને જિલ્લાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. જ્યારે પુરવઠાતંત્ર દ્વારા હડતાળને નિષ્ફળ બનાવવા માટે ઉતાવળે પરમિટો આપવામાં આવી હતી. જેમાં માત્ર બે દિવસમાં ૨૭૫૦થી વઘુ અનાજ અને કેરોસીનની પરમિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારી જથ્થો વગે કરનાર બે દુકાનદારો સામે કાર્યવાહી
પાદરા મુજપુર ગામે સસ્તા અનાજની દુકાનનો પરવાનો ઘરાવતા મંજુલાબેન પિઢયારને ત્યાંથી વગે કરાયેલાં જથ્થાનો ટેમ્પો પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો. જેની ચકાસણી કરતા કાર્ડઘારકોનો ૨૮૭૫ કિલો ઘંઉ, ૪૨૧ કિલો ચોખા, ૬૫ કિલો ખાંડ સહિતનો જથ્થો ખોટા બિલો બનાવી વગે કર્યાનું જણાતા દુકાનનો પરવાનો કાયમ માટે રદ કરાયો હતો. ગામમાં રહેતા સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર લીલાબેન ચૌહાણને ત્યાં પુરવઠા નિરીક્ષકોએ તપાસ કરતા વહીવટી અને હિસાબી ગેરરીતિ ઝડપાઈ હતી.જેથી પરવાનો ૩૦ દિવસ માટે મોકુફ કરાયો હતો.