દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેતી સેનામાં કોઇ શખ્સ બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી લે તે બાબત વિચારી પણ શકાય તેમ નથી ત્યારે વડોદરા સ્થિત ઇ.એમ.ઇ.માં બે ભેજાબાજોએ આવુ કારસ્તાન કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇ.એમ.ઇ.ના કમાન્ડરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી હતી. આજે બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના તા.૧૩મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બનાવની વિગત એવી છે કે, ઇ.એમ.ઇ.માં બે વર્ષના અજમાયશી ધોરણે બે વર્ષ માટે પોસ્ટ આર્ટિસ્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની નિમણૂક કરવાની હતી. આ અંગેની અરજીઓ આવ્યા બાદ ભરતી પ્રક્રિયાના અંતે પ જુલાઇ ૨૦૧૧ના રોજ પોસ્ટ આર્ટિસ્ટ તરીકે વેમી રેડ્ડી શ્રીનાથ રેડ્ડી સુબ્બા રેડ્ડી (હાલ રહે.ઊર્મિ એપાર્ટમેન્ટ, ફતેગંજ, મૂળ રહે.માકાપુરમ પોસ્ટ, આંધ્રપ્રદેશ) તેમજ ઇન્સ્ટુમેન્ટ મિકેનિક તરીકે કેતુ પદ્માકર કેતુ વેંકરિયા શ્રીનિવાસન (હાલ રહે.ઊર્મિ એપાર્ટમેન્ટ, ફતેગંજ, હાલ રહે.દેવીનગર, આંધ્રપ્રદેશ)ની નિમણૂક કરવામાં આવી હતી.
જે સમયે આ બન્નેની નિમણૂક કરવામાં આવી ત્યારે વેમી રેડ્ડીએ મંડલ રેવન્યુ કચેરીનું અનુભવનું પ્રમાણ પત્ર રજૂ કર્યું હતું જ્યારે કેતુ પદ્માકરે મામલતદારનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ઇ.એમ.ઇ.ના અધિકારીઓએ આ બન્ને શખ્સે રજૂ કરેલાં સર્ટિફિકેટ ખરાઇ માટે જે તે જગ્યાએ મોકલતાં આ બન્ને શખ્સે ખોટાં સર્ટિફિકેટ રજૂ કર્યાં હોવાનું સ્પષ્ટ થતાં ઇ.એમ.ઇ.ના અધિકારીઓએ આ બન્ને શખ્સને નોકરીમાંથી છુટ્ટા કરી દીધા હતા.
બનાવટી સર્ટિફિકેટના આધારે બન્ને શખ્સે ઇ.એમ.ઇ.માં નોકરી મેળવી હોઈ આ બનાવ અંગે ઇ.એમ.ઇ.ના કમાન્ડર એ.કે.બાદોરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આજે વેમી રેડ્ડી તેમજ કેતુ પદ્માકરની ધરપકડ કરી હતી.
આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, બન્ને આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. બનાવટી દસ્તાવેજના આધારે સરકાર સાથે છેતરપિંડી કરી છે. બનાવટી દસ્તાવેજ ક્યાં બનાવવામાં આવ્યાં છે તેની તપાસ કરવાની છે. બનાવમાં અન્ય કેટલા શખ્સ સંડોવાયેલા છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ બન્ને આરોપીન તા.૧૩મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઇએમઇમાં પણ બોગસ પ્રમાણપત્રો આધારે નોકરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. જેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠયા છે.