બેવડી નીતિ: ચૂંટણી ફરજનાં વેતનમાં ગોટાળા
ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને જુદાં જુદાં વેતન ચૂકવાયાં
તમામ વિધાનસભામાં જુદી જુદી રકમ વેતન તરીકે ચૂકવાતાં હોબાળો
વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા માટે ફરજ નિભાવતા હજારો કર્મચારીઓને ચૂકવવામાં આવેલા વેતનમાં ગોટાળા થયાની બૂમ ઊઠવા પામી છે. તમામ વિધાનસભા વિસ્તારમાં ફરજ નિભાવનાર કર્મચારીઓને જુદા જુદા વેતન ચૂકવવામાં આવતા હોબાળો મચ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા સરળતાથી નિર્વિધ્ને પાર પડે તે માટે જુદી જુદી સરકારી કચેરીના કર્મચારીઓ, શિક્ષકો અને ખાનગી શાળાના શિક્ષકોને ઉચ્ચક વેતન ચુકવી ફરજ સોંપવામાં આવતી હોય છે. ચૂંટણી પંચ દ્વારા આવા વેતનનું પ્રમાણ પણ નક્કી કરી આપ્યું છે.
પરંતુ છેલ્લા એક સપ્તાહથી સતત ચૂંટણીની ફરજ નિભાવતા કર્મચારીઓને વેતન ચૂકવવામાં ગોટાળા થયાનું સામે આવ્યું છે. એક જ સરખી ફરજ નિભાવી હોવા છતાં જુદી જુદી વિધાનસભા બેઠકમાં જુદા જુદા વેતન ચુકવવામાં આવ્યાં છે. ત્યારે સરકારી તંત્રની આવી બેવડી નીતિને લઈ ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.
શિસ્તના નામે તાળાં વાગ્યાં
ચૂંટણીમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસી. પ્રિસાઈડીંગ ઓફિસર કે બીએલઓ તરીકે ફરજ નિભાવનાર કર્મચારીઓને વેતન ઓછું આપવાની ચોમેર ઉઠેલી બૂમો વચ્ચે તંત્ર દ્વારા શિસ્તના નામે દબાવવામાં પણ આવી રહ્યા છે. જેના કારણે શિસ્તભંગના પગલાથી બચવા માટે કોઈ કર્મચારી આ મામલે કાંઈ બોલવા તૈયાર નથી.





