વડોદરા પ્રેમપ્રકાશ આશ્રમના ગાદીપતિ સ્વામી અશોક પ્રકાશજી મહારાજનું જયપુર પાસે અકસ્માતમાં નિધન : વડોદરાના સિંધી સમાજમાં શોકનું મોજું
-વડોદરા પ્રેમપ્રકાશ આશ્રમના ગાદીપતિ સ્વામી અશોક પ્રકાશજી મહારાજનું જયપુર પાસે અકસ્માતમાં નિધન
-વડોદરા, સુરત અને ફરિદાબાદના પ્રેમપ્રકાશ આશ્રમના ગાદીપતિ ધર્મગુરુઓના અકસ્માતમાં નિધન
-વડોદરાના સિંધી સમાજમાં શોકનું મોજું
વડોદરાના સિંધી સમાજના ધર્મગુરુ અને પ્રેમપ્રકાશ આશ્રમના ગાદીપતિ સ્વામી અશોક પ્રકાશજી મહારાજનું આજે વહેલી સવારે રાજસ્થાનના જયપુર પાસે માર્ગ અકસ્માતમાં દુ:ખદ નિધન થતાં શહેરના સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સિંધી સમાજે આજે તેમના ધંધા-રોજગાર બંધ રાખી સદગત સ્વામીને અંજલિ આપી હતી. ધર્મગુરુના આકસ્મિક નિધન બાદ વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ આશ્રમ ખાતે સવારથી જ અખંડ સંકિર્તન શરૂ થતાં તેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાઇ રહ્યા છે. સદગત સ્વામી અશોક પ્રકાશજી મહારાજનો પાર્થિવ દેહ જયપુરથી વડોદરા લવાયા બાદ તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે ગુરુવારે તા.૨૮મીએ વડોદરામાં યોજાશે.
વડોદરાથી જયપુર જઇ રહેલા સિંધી સમાજના વડોદરા, સુરત અને ફરિદાબાદ સ્થિત પ્રેમપ્રકાશ આશ્રમના ધર્મગુરુઓની સ્કોર્પિયો જીપને રાજસ્થાનના જયપુરથી ૬૦ કિલોમીટર દૂર દૂધિયા ગામ પાસે આજે સવારે ૭.૩૦ કલાકે ટેન્કર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વડોદરા આશ્રમના ગાદીપતિ સ્વામી અશોક પ્રકાશજી મહારાજ, સુરત આશ્રમના ધર્મગુરુ રાજુરામ પ્રકાશજી મહારાજ અને ફરિદાબાદ આશ્રમના ગાદીપતિ કિશોર પ્રકાશજી મહારાજનું નિધન થયું હતું. સિંધી સમાજના ત્રણ ધર્મગુરુઓનું અકસ્માતમાં નિધન થયું હોવાની વાત વડોદરા શહેરમાં વાયુવેગે ફેલાઇ જતાં સિંધી શ્રદ્ધાળુઓ વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ આશ્રમ ખાતે ધસી ગયા હતા.
પ્રેમપ્રકાશ આશ્રમ ખાતે સવારે ૯ વાગ્યાથી સ્વ.ધર્મગુરુઓના માનમાં અખંડ સંકિર્તન પાઠ અને રામધૂન શરૂ કરાતાં તેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે. વડોદરાના ધર્મગુરુનો પાર્થિવ દેહ સાંજે વડોદરા લાવ્યા બાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે.






