આજે શહેર જિલ્લામાં સવારના ૬થી ૧૧ કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લીધે જયાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજા તરફ આજવા ડેમમાંથી ૯૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લામાં ગુરુવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સાડા પાંચ વાગે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફેલાઈ ગયા હતા. વડોદરા શહેરમાં સવારે ૬થી ૮ કલાક દરમિયાન ૬૦ મિમી અને ૮થી ૧૦ કલાકમાં બીજો ૭૦ મિમી વરસાદ ખાબકયો હતો. જોકે ત્યારબાદ પણ એક કલાક સુધી વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહેતા અગિયાર વાગ્યામાં એક જ કલાકમાં બીજો ૩૬ મિમી વરસાદ નોંધાતાં પાંચ કલાકમાં જ કુલ ૧૬૬ મિમી ( પોણા સાત ઇંચ) જેટલો વરસાદ પડ્યો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા, સંખેડા, કવાંટમાં પણ અનુક્રમે ૩૦ મિમી,૪ મિમી અને ૨૫ મિમી વરસાદ પડ્યો હતો. પરિણામે આજવા ડેમની સપાટી વધીને ૨૧૨.૫૦ની સપાટીને વટાવી જતાં તંત્ર દ્વારા ગેટ ખોલી નાંખવામાં આવતાં ૯૦૦૦ કયુસેક પાણી બપોરે છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સવારે દેવ ડેમના ચાર ગેટ ખોલી નાંખ્યા બાદ વધુ બે ગેટ ખોલાતાં કુલ ૩૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોને એલર્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા સવારથી જ હાથ ધરવામાં આવી હતી.
જોકે બપોરે બાર વાગ્યા બાદ વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. પણ શહેરના રાવપુરા, કારેલીબાગ, લાલબાગ રોડ, માંજલપુર, તાંદળજા, ગોત્રી, સમા, આજવા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં ખાસી મુસબિતનો સામનો કરવો પડી રહ્યો છે.