સ્કૂલો બંધ કરવી પડી : પરીક્ષા મુલતવી રહી : નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર : પાવીજેતપુરમાં ચાર અને સાવલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ : ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે સવારે વીજળીના કડાકાને ભડાકા સાથે વરસાદ સતત ચાલુ
વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુરુવારે વહેલી સવારે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા.
ભારેથી અતભિારે વરસાદની આગાહીની વચ્ચે ગઇકાલથી વરસાદનુ આક્રમણ શરૂ થયું હતું. ગત મોડી રાતે વરસાદે થોડા સમય માટે વિરામ લેતાં જિલ્લા તંત્ર અને પ્રજાજનોએ હાશ અનુભવી હતી.
પરંતુ,ફરીથી બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર એન્ટ્રી લેતાં ગુરુવારે સવારથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે પરીક્ષા હોવાથી બાળકોને સ્કૂલે મોકલવા કે કેમ તે અંગે વાલીઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. જોકે, મોટા ભાગની સ્કૂલોમાં આજે પરીક્ષા મુલતવી કરીને રજા જાહેર કરી દેવામાં આવતાં બાળકો ઘરે પરત ફર્યા હતા.
તેવી જ રીતે,શહેરની સાથોસાથ જિલ્લામાં પણ મેઘરાજાનુ સામ્રાજ્ય યથાવત્ રહ્યું હતું. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે, આજે સવારે આઠ વાગે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુરમાં ૧૬ મીમી,ડભોઇમાં ૧૦મીમી,પાવીજેતપુરમાં ૧૦૮ મીમી,કરજણમાં ૧૫ મીમી, કવાંટમાં ૨૨ મીમી,નસવાડીમાં ૧૦ મીમી, પાદરામાં બે મીમી,સંખેડામાં ૩૩ મીમી, સાવલીમાં ૮૭ મીમી, શિનોરમાં૪૨મીમી, વાઘોડિયામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો હતો.
આજે સવારે છ વાગ્યા સુધીમાં વડોદરામાં માત્ર ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો પણ મેઘરાજાની સવારે ધમાકેદાર બેટિંગના કારણે એક કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો.