ગુરુવારે રાત્રે ૧૨ ના ટકોરે શહેરના દેવાલયો, હવેલીઓ અને ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી મનાવાશે
ધર્મની સ્થાપના માટે દરેક યુગમાં પ્રગટવાનું વચન આપનાર વાસુદેવ, નટખટ, માખણચોર, નંદકિશોર શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ દિવસ જન્માષ્ટમી પર્વની ભિકતભાવપૂર્વક ઉજવણીની તડામાર તૈયારીઓ વડોદરા શહેરમાં કરી દેવામાં આવી છે. જન્માષ્ટમીના એક દિન પૂર્વે શહેરમાં આવેલા દેવાલયો, હવેલીઓ અને ઇસ્કોન મંદિરને આસોપાલવ અને રંગબેરંગી તોરણો તેમજ રોશનીથી સજાવી દેવાતાં શ્રદ્ધાળુઓમાં લાલાના જન્મદિનનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરમાં આવેલા કૃષ્ણ મંદિરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને ઇસ્કોન મંદિરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વે વિવિધ ભિકત કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાત્રે ૧૦ વાગ્યાથી ભગવાનને કેસર સ્નાન, દૂધ સ્નાન સાથે અભિષેક અને મહાપૂજા યોજાયા બાદ રાત્રે ૧૨ ના ટકોરે શહેરના તમામ દેવાલયોમાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.
આ ઉપરાંત આવતીકાલે ગુરુવારે સાંજે તેમજ શુક્રવારે બપોરે શહેરમાં વિવિધ સ્થળોએ ગોવિંદા આલા...રે...ની ધૂન સાથે મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અંદાજે ૨૫ જેટલાં સ્થળે મટકી ફોડના મોટાં કાર્યક્રમો અને અંદાજે ૧૦૦ જેટલાં સ્થળોએ મટકી ફોડના નાના કાર્યક્રમો યોજાશે.
ઇસ્કોન મંદિરમાં આવતીકાલે દિવસ દરમિયાન દર્શનનો લ્હાવો મળશે. એટલું જ નહીં પ્રત્યેક દર્શનાર્થીને પેંડા, મીસરી, કેળાંના પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે. વૈષ્ણવ હવેલીઓમાં શુક્રવારે નંદ મહોત્સવ પરંપરાગત રીતે મનાવાશે.