- પોલીસે ફાયરબ્રિગેડની મદદથી નર્મદા કેનાલમાં તપાસ શરૂ કરી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં સોમવારે ખેલાયેલા ખૂની ખેલમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જઇ ગળા પર ત્રણ જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ યુવકે સમાની કેનાલમાં પડતું મુક્યાની શંકાને પગલે પોલીસે બુધવાર સવારથી ફાયરબ્રિગેડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
બનાવની વિગતો અનુસાર ન્યુ સમા રોડ પર મહાકાળી સોસાયટીમાં રહેતા દિનેશભાઇ રતિલાલ મિસ્ત્રીની ૧૯ વર્ષીય પુત્રી હેમાલીના એકતરફી પ્રેમમાં પાગલ બનેલા જયકિશન શર્માએ મિત્રતા રાખવા દબાણ કરી પજવણી શરૂ કરી હતી. સોમવારે બપોરે ઘરે જઇ પહોંચેલા યુવકે હેમાલીના વાળ પકડી ઝનૂનપૂર્વક ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી.
પુત્રીને છોડાવવા વચ્ચે પડેલી માતા ચંદ્રિકાબહેન અને ભાડવાત મહિલા પિન્કીબહેન અલ્પેશ ક્રિશ્રીયનને પણ ચાકૂના ઘા મારી યુવક ફરાર થઇ ગયો હતો. યુવકે હત્યા કર્યા બાદ સમાની નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેને પગલે ફતેગંજ પોલીસે બુધવાર સવારે ફાયરબ્રિગેડની મદદથી તપાસ શરૂ કરી છે. લાશ્કરોએ પાણીની વહેણની દિશામાં શોધખોળ હાથ ધરી છે.